દયાપર ગ્રા.પં.માં 24 લાખની તફડંચીનો આક્ષેપ

દયાપર તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે પવનચક્કીઓ દ્વારા વીજપોલ, રસ્તા અને પવનચક્કીના પોઇન્ટ માટે સમિતિને અપાતી રકમમાંથી સરપંચના પતિએ 24 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ ઊઠી છે.સૂત્રો પરથી મળતી માહિતી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પોલીસ અધીક્ષક અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મહિલા સરપંચના પતિએ ગ્રામસભામાં કોઇ ઠરાવ પસાર કર્યા વર પવનચક્કી દ્વારા ગ્રામ સમિતિને અપાતી 30 લાખની રકમમાંથી ગામના વિકાસના બદલે પોતાના માટે નાણાંનો ઉપાડ કરી ઉચાપત કરી છે અને ગ્રામજનો સામે વિશ્વાસઘાત કર્યો છે. સરકારી પડતર જમીનોમાં ખોટાં એન.ઓ.સી. આપી ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો છે. રકમ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા થાય તેના બદલે સમિતિ ઊભી કરી આ રકમ ઉપાડી લેવાઇ છે. પોલીસ દ્વારા તપાસ કરી આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ અને ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત એફ.આઇ.આર. કરવા માંગ કરાઇ છે. આ બાબતે દયાપર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પટેલનો સંપર્ક કરતાં તેમણે આવી અરજી મળી છે તેવું જણાવતાં કહ્યું હતું કે, તપાસ ચાલુ છે, ત્યારબાદ નિર્ણય લેવાશે. તાલુકા વિકાસ અધિકારી નો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, ગ્રામ સમિતિ તાલુકા પંચાયત અંદર નથી આવતી. જેથી તા.પં.ને આ મુદ્દો લાગુ પડતો નથી. બીજીબાજુ સરપંચ પતિને ગ્રામ પંચાયતના `કો-ઓપ્ટ સભ્ય’ બનાવાયા છે જે પણ ચર્ચાનો મુદ્દો છે.