સેવા મેરા યોગદાન અંતર્ગત સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ ખાવડા CHCની મુલાકાત લીધી

સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત કચ્છ-મોરબી લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ ખાવડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC)ની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે આગેવાનશ્રી દેવજીભાઈ વરચંદ તથા શ્રી હિતેશભાઈ હિંમતલાલ ખંડોર ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન સાંસદશ્રીએ CHC ખાતે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ, દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓનો જથ્થો તથા આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. તેમણે તબીબો તથા આરોગ્ય કર્મચારીઓ સાથે મુલાકાત કરી તેમની કામગીરી અને આરોગ્ય સેવાઓની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.
ખાવડા સહિતના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના લોકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કરવામાં આવતી કામગીરી અંગે પણ માહિતી મેળવી હતી. CHC ખાતે ઉપલબ્ધ વિવિધ આરોગ્ય સેવાઓ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સાંસદશ્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
સાંસદશ્રીએ આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરી હતી તથા અંતરિયાળ વિસ્તારના નાગરિકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા અનુરોધ કર્યો હતો.