કચ્છના આકાશેથી વરસાદની વિદાય વેળા આવી!
કચ્છની ધરતી પર એક અલગ જ પ્રકારની સવાર ઉગી છે. જે બારાને રહેમત (વરસાદ) 7મી જુલાઈના દિવસે ધમાકેદાર એન્ટ્રી સાથે કચ્છમાં આવ્યો હતો, તેણે હવે ધીમે ધીમે પોતાનો સામાન બાંધવાનું શરૂ કર્યું છે.
હવામાન ખાતાના ચોપડે લખાયું છે કે 23મી સપ્ટેમ્બરથી મેઘરાજાએ પોતાની વાપસીની ટિકિટ કન્ફર્મ કરાવી લીધી છે. આ વખતે તે કુલ 79 દિવસ કચ્છના મહેમાન બન્યો.
વાત જો ગત વર્ષની કરીએ તો ગત ચોમાસે તો 16મી સપ્ટેમ્બરે જ પોતાનો બિસ્તરો-પોટલો બાંધી લીધો હતો, પણ આ વખતે તેણે કચ્છીઓને એક અઠવાડિયાનો વધારે સાથ આપ્યો છે, જે કચ્છ માટે એક સારા સમાચાર જેવું છે.
ચોમાસાએ ધોળાવીરાથી લઈને નલિયા સુધીના પશ્ચિમ કચ્છના ભાગને અલવિદા કહી દીધું છે.
હવે ખેડૂતોના ચહેરા પર નવી આશા છે, કારણ કે ચોમાસાની વિદાય એટલે રવી પાકની તૈયારીની શરૂઆત. કુદરતે જેટલું આપ્યું છે તેનો હિસાબ કરીને હવે કચ્છનો ખમીરવંતો ખેડૂત નવી મહેનત માટે તૈયાર થઈ રહ્યો છે.
આ 79 દિવસમાં વરસાદે પોતાની હાજરી પુરાવી દીધી અને હવે જતી વખતે પણ કચ્છની ધરતીને હરિયાળી કરીને જઈ રહ્યો છે