“સેવા મારું યોગદાન” અંતર્ગત માર્ગ સલામતી જાગૃતિ બાઈક રેલી કાર્યક્રમ

વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પોલીસ વિભાગ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા તા.૨૪/૦૯/૨૦૨૬ ના રોજ ભુજ શહેર ખાતે માર્ગ સલામતી જાગૃતિ માટે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦થી વધુ બાઇક સવારો જોડાયા હતા.
આ કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે ફ્લેગઓફ કરી જ્યુબીલી ગ્રાઉન્ડથી શરૂઆત કરવામાં આવી. આ બાઈક રેલીમાં માન.પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ-કચ્છ, ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ વગેરે આ રેલીમાં જોડાયેલ હતા. આ રેલીમાં માર્ગ સલામતી જાગૃતિ અંગેના બેનર અને પોસ્ટર પ્રદર્શિત કરી જાહેર જનતામાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. ઉપરાંત માર્ગ સલામતી અંગેના ૫૦૦ જેટલા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમ દરમિયાન આરટીઓ, ભુજના સહાયક મોટર વાહન નિરીક્ષક શ્રી વી.આર.ચૌધરી દ્વારા હાજર રહેલ તમામ ડ્રાઇવર/કંડકટરોને માર્ગ સલામતી જાગૃતિ અંગે વિશેષ સમજણ આપવામાં આવી હતી. તેમને વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, ઓવરસ્પીડિંગ ટાળવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવા મહત્વના મુદ્દાઓ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં થતા માર્ગ અકસ્માતોને અટકાવી શકાય.