સેવા સેતુમાં મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય યોજનાઓની જાતે માહિતી મેળવી, જનસ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

96

ગાંધીધામ: ગાંધીધામ ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન માનનીય મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય વિભાગના સ્ટોલની મુલાકાત લઈ નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓ અને વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અંગે જાતે રસપૂર્વક પૂછપરછ કરી વિગતવાર માહિતી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્ટોલ પર ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓને વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, યોજનાઓ હેઠળ મળતી સેવાઓ તથા આરોગ્ય સેવાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી કેટલી સરળતાથી અને અસરકારક રીતે પહોંચે છે તે અંગે પ્રશ્નો કરી માહિતી મેળવી હતી.

આ પ્રસંગે ગાંધીધામના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ (MOH) ડૉ. દિનેશ સુતરીયા દ્વારા મુખ્યમંત્રીશ્રીને આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ, આરોગ્યલક્ષી કાર્યક્રમો અને નાગરિકોને આપવામાં આવતી સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવા મળી રહે તે સરકારની પ્રાથમિકતા છે તે દિશામાં આરોગ્ય વિભાગની કામગીરી અંગે પણ માર્ગદર્શન મેળવ્યું હતું. તેમની આ મુલાકાત દરમિયાન આરોગ્ય યોજનાઓના અસરકારક અમલીકરણ અને તેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે ઉજાગર થઈ હતી.

સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના સ્ટોલ મારફતે ઉપસ્થિત નાગરિકોને વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ અને સેવાઓ અંગે માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.