“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ભુજ નગરપાલિકા કક્ષાનો વોર્ડ નં ૦૭ થી ૧૧નો સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિતે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ભુજ નગરપાલિકા કક્ષાનો “૧૨માં તબક્કાનો” ના બીજા ભાગરૂપે વોર્ડ નં ૦૭ થી ૧૧ નો સેવાસેતુ કાર્યક્રમનો આયોજન આજરોજ તા. ૨૯/૦૯/૨૦૨૬ ના રોજ શહેરના ટાઉનહોલ મધ્યે કરવામાં આવ્યું હતું.
આજના આ સેવા સેતુ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ બીન્દીયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, શાસકપક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, દંડક રૂપલબેન ચાવડા ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં નગરસેવકો પણ જોડાયા હતા.
આ પ્રસંગે કચ્છ ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે સેવાસેતુ જેવી પહેલનો મૂળ હેતુ એ છે કે સરકારની સેવાઓ માટે નાગરિકોએ સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે, પરંતુ સરકાર પોતે નાગરિકોના દ્વારે પહોંચે. ટેકનોલોજી અને વહીવટી વ્યવસ્થાના માધ્યમથી વિવિધ સરકારી સેવાઓને લોકોની નજીક પહોંચાડવાનું આ એક મહત્વપૂર્ણ કાર્ય છે. આપણા કચ્છ જેવા વિશાળ અને ભૌગોલિક રીતે વિશિષ્ટ જિલ્લામાં આવી સેવા વધુ મહત્વપૂર્ણ બની જાય છે. દૂરના વિસ્તારમાં રહેતા આપણા નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે, કોઈ લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે અને સામાન્ય માણસનો સમય તથા ખર્ચ બચે- આ સેવાસેતુ કાર્યક્રમની સાચી સફળતા છે.
આ પ્રસંગે કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે સરકારશ્રીની વિવિધ યોજનાઓ લોકો સુધી સરળતાથી પહોંચે અને લોકો તેનો લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને કોઈને તકલીફના વેઠવી પડે તે હેતુ થી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં છેવાડાના માનવીનું પણ સહેલાઈથી કામ થાય અને વધુ ને વધુ લોકો આ યોજનાનો લાભ લઈ શકે એ હેતુ થી સરકારશ્રી આવી યોજનાઓ અને આવા કાર્યક્રમો કરતી હોય છે. પહેલા અરજદારોને અલગ અલગ કચેરીઓમાં જવું પડતું હતું આજે એક જ સ્થળે અરજીઓનો નિકાલ થાય છે એ પછી આવકના દાખલા હોય કે રાશનકાર્ડ માં નામ ઉમેરવાનું હોય કે બેંકમાં નવું ખાતું ખોલાવાનું હોય કે પછી જન્મ-મરણના પ્રમાણપત્ર કાઢવાના હોય તેવી વિવિધ યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે. આવનારા દિવસોની અંદર હજુ પણ આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.આ સેવા સેતુ અંતર્ગત અંદાજીત ૪૧૨ જેટલી આવેલ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમમાં રાજકોટ ઝોનના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નરશ્રી રાજેશ કુચરા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ભુજ નગરપાલિકાના નગરસેવકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેનિટેશન શાખાના ચેરમેન મનુભા જાડેજાએ કર્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે સ્ટોર બ્રાંચ વતી દક્ષેશભાઈ ભટ્ટ અને એન.યુ.એલ.એમ શાખાના મેનેજર કિશોર શેખા તથા નગરપાલિકાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.