રાપર તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠકમાં જનહિતના ૧૦ મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે પસાર.

રાપર તાલુકા સહિત કચ્છ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાજનોને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓ, ખેડૂતોના પ્રશ્નો, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સમસ્યાઓ, પીવાના પાણીની તંગી, બેરોજગારી, સરકારી કચેરીઓમાં પડતી મુશ્કેલીઓ તેમજ અન્ય જનહિતના પ્રશ્નો અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં પ્રજાના જનજીવન સાથે જોડાયેલા મૂળભૂત પ્રશ્નો તરીકે લઈને તેના કાયમી ઉકેલ માટે સરકાર અને સંબંધિત વિભાગો સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ અંતર્ગત કુલ ૧૦ મહત્વપૂર્ણ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોની મુશ્કેલી અંગે સરકારને ઘેરવાની માંગ કરવામાં આવી હતી.કચ્છ જિલ્લામાં વરસાદની અનિયમિતતા અને અછતના કારણે ખેડૂતોના પાક, પશુધન અને ખેતી ખર્ચને થયેલા નુકસાન અંગે બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક પાક નુકસાનીનું વળતર, ગૌશાળાઓને સહાય, વીજળી તથા બેંક લોન સંબંધિત પ્રશ્નોમાં રાહત અને જરૂરી વિશેષ પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે.કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ખેડૂતોને રાહતની જાહેરાતો કરતાં રાહત વાસ્તવિક રીતે ખેડૂતો સુધી પહોંચે તે વધુ મહત્વનું છે, જેથી આ અંગે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવામાં આવશે.
Ø શિક્ષકોની ઘટને કારણે શિક્ષણ વ્યવસ્થા અંગે ચિંતા
રાપર તાલુકા સહિત કચ્છની અનેક સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાના પ્રશ્ને પણ ચર્ચા થઈ હતી. વિષયવાર જરૂરી શિક્ષકોની જગ્યાઓ તાત્કાલિક ભરવા તથા કાયમી ભરતી ન થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલુ રાખવાની માંગણી કરવામાં આવી છે.
Ø તલાટી-કમ-મંત્રી અને ગ્રામ સેવકોની ખાલી જગ્યાઓ ભરવાની માંગ
ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી-કમ-મંત્રી અને ગ્રામ સેવકોની જગ્યાઓ ખાલી હોવાથી ગ્રામજનોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તમામ ખાલી જગ્યાઓની ગણતરી કરી તાત્કાલિક ભરતી પ્રક્રિયા હાથ ધરવા અને દરેક ગામને પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવા ઠરાવ કરવામાં આવ્યો છે.
Ø આરોગ્ય કેન્દ્રોમાં તબીબો અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ
રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રોમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, દવાઓ તથા જરૂરી સાધનોની અછત દૂર કરવા માંગણી કરવામાં આવી છે. દૂરના ગામોના દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને રેફરલ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.
Ø સરકારી કચેરીઓમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર અંગે કડક વલણ
સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને પડતી મુશ્કેલીઓ અને ગેરકાયદેસર નાણાંની માંગણી અંગે મળતી ફરિયાદોને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.સરકારી કચેરીઓમાં પારદર્શક વ્યવસ્થા ઊભી કરવામાં આવે, ભ્રષ્ટાચાર અંગે મળતી ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારી કે કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.કોંગ્રેસ આગેવાનો દ્વારા સત્તાધારી તંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવતા જણાવાયું હતું કે સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકનું કામ સરળતાથી અને નિયમ મુજબ થાય તે સરકારની જવાબદારી છે.
Ø ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પણ ઠરાવ
ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે અને ચૂંટણી પ્રક્રિયા અંગે ઉઠતા પ્રશ્નો તથા આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.મતદારોનો ચૂંટણી વ્યવસ્થા પર વિશ્વાસ જળવાઈ રહે તે માટે સંબંધિત બંધારણીય અને ચૂંટણી સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Ø નીલપર ગામની બાળકીના દુષ્કર્મના બનાવમાં ઝડપી અને નિષ્પક્ષ તપાસની માંગ
રાપર તાલુકાના નીલપર ગામે ૧૩ વર્ષની બાળકી સાથે બનેલી દુષ્કર્મની ગંભીર ઘટનાને લઈને બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.સમગ્ર બનાવની નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય, દોષિત આરોપીઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ પીડિત બાળકી અને તેના પરિવારને જરૂરી સુરક્ષા, કાયદાકીય સહાય અને સરકાર તરફથી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
Ø યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાની માંગ.
રાપર તાલુકાના યુવાનોને સ્થાનિક સ્તરે પૂરતી રોજગારીની તકો ઉપલબ્ધ ન હોવાથી સ્થળાંતર કરવાની ફરજ પડતી હોવાનો મુદ્દો પણ બેઠકમાં ચર્ચાયો હતો.સ્થાનિક ઉદ્યોગો, નાના વ્યવસાયો અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા, સરકારી ભરતીની ખાલી જગ્યાઓ સમયસર ભરવા તથા યુવાનોને તાલીમ અને સ્વરોજગાર માટે સરળ લોન ઉપલબ્ધ કરાવવા માંગણી કરવામાં આવી છે.
Ø પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ.
રાપર તાલુકાના અનેક ગામોમાં ઉનાળા તથા ઓછા વરસાદના સમયગાળા દરમિયાન પીવાના પાણીની સમસ્યા ગંભીર બનતી હોવાના પગલે દરેક ગામમાં નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તેવી કાયમી વ્યવસ્થા કરવાની માંગણી કરવામાં આવી છે.જરૂરિયાતવાળા વિસ્તારોમાં નવા બોર, પાણીની ટાંકી, પાઇપલાઇન સહિતનું માળખું ઊભું કરવા તેમજ જ્યાં સુધી કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી ટેન્કર વ્યવસ્થામાં પારદર્શિતા જાળવી સમયસર પાણી પહોંચાડવાની માંગ કરવામાં આવી છે.
Ø ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી માટે ઓનલાઈન નોંધણી સરળ બનાવવાની માંગ
ખેડૂતોને ટેકાના ભાવે પોતાની કૃષિ પેદાશો વેચવા માટે ઓનલાઈન નોંધણી દરમિયાન ટેકનિકલ મુશ્કેલીઓ પડતી હોવાનો પ્રશ્ન પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. ઓનલાઈન પોર્ટલની ખામીઓ દૂર કરવા, સર્વર ક્ષમતા વધારવા અને નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા સાથે ટેકનિકલ કારણોસર ઓનલાઈન નોંધણી ન કરી શકતા ખેડૂતોને વૈકલ્પિક રીતે સેવા કેન્દ્રો મારફતે નોંધણીની તક આપવા માંગણી કરવામાં આવી છે.
“રાપર તાલુકાની જનતાના પ્રશ્નો માટે કોંગ્રેસ સતત અવાજ ઉઠાવશે”
બેઠકના અંતે રાપર તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાપર તાલુકા અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોના લોકોના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ સતત સક્રિય રહેશે.આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે સરકારની નીતિઓ અને કામગીરી અંગે જ્યાં પ્રશ્નો ઊભા થાય ત્યાં કોંગ્રેસ લોકશાહી પદ્ધતિથી જવાબદારી નક્કી કરવાની માંગ કરતી રહેશે અને ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શ્રમિકો તથા સામાન્ય નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં આ તમામ ૧૦ ઠરાવો સંબંધિત વિભાગો અને સરકાર સમક્ષ રજૂ કરી પ્રશ્નોના તાત્કાલિક તથા કાયમી નિરાકરણ માટે રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ અને રાપર શહેર કોંગ્રેસ સમિતિ હંમેશાં રાપર તાલુકાની જનતાની સાથે રહી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કાર્ય કરતી રહેશે તેમજ કારોબારી સમિતિમાં રાપર તાલુકા સમિતિના પ્રમુખ ભીખુભાઈ સોલંકી , રાપર શહેરના પ્રમુખ અશોભાઈ રાઠોડ , કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી બાબુભાઈ ચૌધરી સહીત બહોળી સંખ્યમાં આગેવાનો અને કાર્યકર્તશ્રીઓ જોડાયા હતા.