નખત્રાણા તાલુકાના છારી પૈયા સુમસામ રસ્તા વચ્ચે મૃત્યુનો મખમલી પંજો: જ્યારે સોલારના અજવાળે છારી પૈયાના અંધારામાં દીપડો મોરગર,હેલગર ના છાપરે ચડ્યો!
નખત્રાણાના સીમાડે આવેલા છારી પૈયાનો એ રસ્તો દિવસે ભલે અવરજવર હોય પણ રાત્રે વેરાન હોય, પણ સુરજ આથમતા જ ત્યાં કાચું સોનું ગાળતી રાત નથી ઊતરતી… ત્યાં ઊતરે છે મૃત્યુનો ઘાટો પરછાયો.
આકાશમાં ટમટમતા તારા સાક્ષી છે એ રાતના બાર વાગ્યાના સન્નાટાના. અસહ્ય બફારા અને ગરમીથી થાકી ગયેલા છરી પૈયા ગ્રામજનો પોતાના માસૂમ ભૂલકાંને છાતીએ વળગાડીને આંગણામાં ખાટલા ઢાળીને ઊંઘી રહ્યા છે. ગામ આખું મીઠી નિંદરમાં ઘેરાયેલું છે, પણ એ નિંદરની સરહદ પર જ કાળનો પંજો તોળાઈ રહ્યો છે.
છારી પૈયા ખુલ્લા આકાશ નીચે સુતેલા એ માસૂમોને ક્યાં ખબર છે કે અંધારાના કાળા ડિબાંગ પડદા પાછળથી બે લીલી, ચમકતી આંખો તેમને જ તાકી રહી છે! એ આંખો કોઈ સામાન્ય પશુની નથી… એ છે પોતાના અસ્તિત્વ માટે તરફડતો, જંગલવિહોણો રાજા — દીપડો!
જેસીબીના ઘા અને સોલારના અજવાળામાં હોમાયેલું છારી પૈયા જંગલ
ગામના વડીલો જ્યારે હાથમાં લાકડી ટેકવીને ભૂતકાળની વાતો કરે છે ત્યારે એમની આંખોમાં ઝળહળિયાં આવી જાય છે. વડીલો કહે છે, “અમારા જમાનામાં અહીં સીમ નહીં, ગાઢ અરણ્ય હતું. ઝાડવાની ઘટાઓમાં પશુ-પંખીઓ પોતાના ઘરમાં રાજ કરતા.”
પણ પછી વિકાસનો રાક્ષસ આવ્યો. ‘સોલાર પ્લાન્ટ’ના નામે અને પ્રોજેક્ટ્સના બહાને જેસીબીના એક જ રાક્ષસી પ્રહારમાં સેંકડો વર્ષ જૂના વડલા અને કેરડાના ઝાડ ધરાશાયી થઈ ગયા. માણસે પોતાના અજવાળા માટે જંગલના અંધારાને વેચી માર્યું! વન વિભાગના કાગળો પર કદાચ આજેય લીલુંછમ જંગલ બોલતું હશે, પણ હકીકતમાં તો નકશા પર જંગલ બચ્યું છે અને ધરતી પર માત્ર વેરાન રાખ! રહેવાનું સરનામું છીનવાઈ ગયું અને પેટમાં ભૂખનો ડોબરો વાગ્યો, એટલે આ મૂંગા જીવો હવે રસ્તો ભૂલીને માનવવસ્તી તરફ આવવા મજબૂર બન્યા છે.
મા ની આંખનું આંસુ અને જાગતી રાતોનો આક્રોશ,
એક મા જ્યારે પોતાના બાળકને ઘોડિયામાં કે ખાટલામાં સુવડાવે છે, ત્યારે એની છાતીમાં એક ધ્રાસકો પડે છે. એની આંખમાંથી ટપકતું આંસુ પૂછે છે — “જો રાત્રે અંધારામાંથી એ હિંસક પંજો મારા લાલ પર ત્રાટકશે, તો હું એને કેમ બચાવીશ?”
આ સવાલ માત્ર એક માનો નથી, છારી પૈયાના ખૂણે-ખૂણે જીવતા દરેક ગ્રામજનનો છે. હવે લોકોને સરકારી તંત્રની ખાલી ખાતરીઓ પરથી ભરોસો ઊઠી ગયો છે. પરિણામે, આખું ગામ હાથમાં લાકડીઓ અને લઈને આખી રાત પહરા ભરે છે. આ કોઈ સામાન્ય અહેવાલ નથી, આ તો સચ્ચાઈ માટે લડી રહેલા એક આખા ગામની કાળજું ચીરી નાખતી ચીસ છે!
અમે વન વિભાગ અને કલેક્ટર શ્રીના દ્વારે હાથ જોડીને આજીજી કરીએ છીએ — જાગો હવે તો જાગો! કોઈ અબુધ બાળક આ હિંસક દીપડાનો કોળિયો બને, કે કોઈ પરસેવો પાડતો ખેડૂત પોતાની વાડીએ જ લોહીલુહાણ થઈને ઢળી પડે, તે પહેલાં આ ગંભીરતાને સમજો.
છારી પૈયાના એ સૂમસામ માર્ગો પર તાત્કાલિક મજબૂત પાંજરા ગોઠવો, વન વિભાગની વિશિષ્ટ ટીમો ઉતારો અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવીને આ બેખોફ ફરતા જાનવરને પાંજરે પૂરો.
યાદ રાખજો, જો આજે તંત્ર નહીં જાગે, તો કાલે આખું ગામ ન્યાયની માંગ સાથે તમારા દરવાજે રોકકળ કરતું ઊભું હશે… અને ત્યારે વહેવડાવાયેલા આંસુ કે લોહીનો હિસાબ ચૂકવવો ભારે પડી જશે!