હિંમતનગર વિજાપુર હાઈવે પર કાળી રાત અને અહંકારનો મહેલ: હોટેલ લેજન્ડની એક દર્દનાક સાંજ!
આકાશમાં કાળાદિબાંગ અંધકાર છવાયેલો હતો. હિંમતનગર-વિજાપુર હાઇવે પરથી પસાર થતાં વાહનોની હેડલાઇટ્સ રાતના અંધારાને ચીરીને નીકળી જતી હતી. રસ્તાના કિનારે ઝગમગાટ રોશનીથી ઝળહળતી એક ઇમારત ઊભી હતી—’હોટેલ લેજન્ડ’. નામમાં ભવ્યતા હતી અને બાહ્ય ચકાચૌંધમાં રાજશાહી મહેમાનગતિની આભાસી ઝલક. પરંતુ આ ચમકતી લાઈટોની પાછળ અહંકાર, તોછડાઈ અને અમાનવીય વર્તનનો એક એવો અંધકાર છુપાયેલો હતો, જેની કલ્પના પણ બહાર હતી.
દૂર-દૂરના નખત્રાણા તાલુકાના તલ ગામથી આવી રહેલા જત કરીમભાઈ જીવાણખાન પોતાના ટ્રક લાંબી મુસાફરી કરી રહ્યા હતા. લાંબી મુસાફરીના થાક અને ભૂખને કારણે તેમણે ગાડી આ હોટેલના આંગણે ઊભી રાખી. મનમાં આશા હતી કે ચાર માણસ શાંતિથી બેસીને રોટલો ખાશે અને થાક ઉતારશે. ડ્રાઈવર ના ચહેરા પર નાની સરખી સ્મિત હતી, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે હોટેલના ઊંબરે પગ મૂકતાં જ તેમનું સ્વાગત મહેમાન તરીકે નહીં, પણ એક લાચાર ગ્રાહક તરીકે થવાનું હતું.
ટેબલ પર બેઠાને કલાકો વીતી ગયા. ભૂખ્યા પેટે બેઠેલા અન્ય ગ્રાહકો સામે જોઈને જત કરીમભાઈની ધીરજ ખૂટવા લાગી. સાદો રોટલાનો ઓર્ડર પણ જાણે હોટેલના સ્ટાફ માટે કોઈ મોટો અહેસાન હોય તેમ વિલંબ થઈ રહ્યો હતો. કરીમભાઈએ ખૂબ જ નમ્રતાથી, હાથ જોડીને સ્ટાફને કહ્યું, “ભાઈ, જરા ધ્યાન આપો… અમે પૈસા આપીને જમીએ છીએ, મફતમાં નથી ખાતા. બાળકો ભૂખ્યા છે.”
બસ, આટલું સાંભળતાં જ હોટેલ લેજન્ડની ભવ્યતા પાછળ છુપાયેલું અહંકારનું અસલી રૂપ બહાર આવી ગયું.
મેનેજર અને સ્ટાફના ચહેરા પરથી સૌજન્યનો મહોરો સરી પડ્યો. તેમની આંખોમાં લાલચોળ ગુસ્સો અને બોલીમાં ગુંડાગીરીનો ટોન આવી ગયો. કરીમભાઈની સામે આંખો કાઢીને મેનેજરે ધમકીભર્યા અવાજે કહ્યું: “તમારાથી જે થાય તે કરી લેજો! પોલીસમાં જવું હોય કે મીડિયામાં આપવું હોય, આપી દો… અમે કોઈનાથી ડરતા નથી!”
એ શબ્દોમાં કોઈ સેવાનો ભાવ નહોતો, પણ સત્તા અને પૈસાનો ગર્વ હતો. આસપાસના ટેબલો પર બેઠેલા અન્ય ગ્રાહકો પણ ડરેલા અને મજબૂર નજરે જોઈ રહ્યા હતા. ત્યાં હાજર લોકોમાં ધીમો ગણગણાટ હતો—હરેક ગ્રાહકનો અવાજ દાબી દેવામાં આવતો હતો. જમવા આવેલા દરેક વ્યક્તિને એવો અહેસાસ કરાવવામાં આવતો હતો જાણે તેઓ કોઈ હોટેલમાં નહીં પણ કોઈ ગુલામીના ડેરામાં આવી ગયા હોય!
જત કરિમ ભાઈ ત્યાંથી બહાર નીકળ્યા, પણ તેમના મનમાં એક સવાલ કોરાઈ રહ્યો હતો: શું પૈસા ચૂકવ્યા પછી પણ ગ્રાહકે આવો ધિક્કાર સહન કરવાનો? શું હાઇવે પર થાકેલા-પાકેલા મુસાફરો આ અહંકારીઓના હાથની કઠપૂતળી છે?
આજે જત કરીમભાઈનો આક્રોશ એ માત્ર એક વ્યક્તિની વેદના નથી, પણ એ દરેક ગ્રાહકનો અવાજ છે જેણે આ ઇમારતમાં પોતાનું અપમાન સહન કર્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે અહંકારનો ગઢ ગમે એટલો ઊંચો હોય, પણ ગ્રાહકના આંસુ અને અસંતોષ આગળ એ તૂટી પડે છે. જો હોટેલ માલિકો આજે પણ નહિ જાગે, તો એ દિવસ દૂર નથી જ્યારે ચકાચૌંધથી ચમકતી આ ‘હોટેલ લેજન્ડ’ના પગથિયે કોઈ એક ગ્રાહક પણ પગ મૂકવાનું પસંદ નહીં કરે!