નખત્રાણા તાલુકાના છારી પૈયામાં મોત છાપરે ચડ્યું! સોલારે જંગલ ગળ્યું, દીપડો મોરગર-હેલગરના ફળિયામાં!

નખત્રાણાના છારી પૈયાનો રસ્તો દિવસે વેરાન લાગે, પણ રાત પડે એટલે ત્યાં મોતનો પડછાયો ઉતરે છે.

ગામ લોકો થાકીને બહાર ખાટલા નાખીને સુવે છે, ત્યારે અંધારામાં બે લીલી આંખો તેમને જ તાકી રહી છે. આ કોઈ વાત નથી, આ હકીકત છે – આ વિસ્તારમાં દીપડા-ચિત્તા આમ છે.

સોલાર પ્લાન્ટના નામે જેસીબીએ જંગલ સાફ કરી નાખ્યું. જાનવરોનું ઘર છીનવાઈ ગયું, એટલે હવે ભૂખ્યો દીપડો સીધો ગામમાં આવી ગયો છે. ગઈકાલે તો હદ થઈ, દીપડો મોરગર અને હેલગરના છાપરા પર ચડી ગયાનો ફફડાટ ફેલાયો.

એક માની છાતી ધ્રુજે છે, મારા બાળકનું શું થશે?

હવે લોકો લાકડીઓ લઈને આખી રાત જાગે છે. સરકારી કાગળ પર જંગલ છે, પણ ધરતી પર તો રાખ છે.

અમારી એક જ માંગ છે વન વિભાગ હવે ઊંઘમાંથી જાગે. છારી પૈયા, મોરગર, હેલગર વિસ્તારમાં તાત્કાલિક પાંજરા ગોઠવે, નાઈટ પેટ્રોલિંગ કરે અને આ હુમલાખોર આદમખોર દીપડાને જલ્દી પાંજરે પૂરે. કોઈનો જીવ જાય એ પહેલા એક્શન લેવાય!