અંજાર તાલુકાના ભીમાસર (ચકાસર) તળાવમાં પ્રદૂષણથી માછલીઓના મોત મામલે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર અપાશે – તા. 01-10-2026 ના રોજ “ચાલો ભુજ” ના નારા સાથે વિરોધ પ્રદર્શન

image

ભુજ/અંજાર: અંજાર તાલુકાના ભીમાસર (ચકાસર) ના ઐતિહાસિક તળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી અસંખ્ય માછલીઓ તથા જળચર જીવોના રહસ્યમય મૃત્યુની ઘટના સામે ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભીમાસર અને આસપાસની કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી અને કેમિકલયુક્ત પાણીનો ગેરકાયદે નિકાલ તળાવમાં કરવામાં આવી રહ્યો છે, જેના કારણે આ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે GPCB દ્વારા અગાઉ કરાયેલ તપાસ પણ શંકાસ્પદ હોવાનો આક્ષેપ છે.

આ ગંભીર મુદ્દાને લઈને ભીમ આર્મી કચ્છ જિલ્લા અધ્યક્ષ હરિભાઈ પરમાર ના નેતૃત્વમાં તા. 01-10-2026, બુધવાર સવારે 11:00 કલાકે કચ્છ કલેક્ટર કચેરી, ભુજ ખાતે વિશાળ સંખ્યામાં લોકો એકત્ર થઈ આવેદનપત્ર આપશે અને વિરોધ પ્રદર્શન કરશે.

અમારી મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

  1. ભીમાસર (ચકાસર) તળાવમાં માછલીઓના રહસ્યમય મોતની નિષ્પક્ષ તપાસ કરાય.
  2. આસપાસની કંપનીઓ દ્વારા છોડાતા પ્રદૂષિત પાણી અને કેમિકલના ગેરકાયદે નિકાલની કડક તપાસ કરાય.
  3. તમામ કંપનીઓના પાણીના સેમ્પલ અરજદારની હાજરીમાં લેવામાં આવે અને પારદર્શક લેબોરેટરી રિપોર્ટ જાહેર કરાય.
  4. GPCB ની અગાઉની તપાસ અને રિપોર્ટની ઊંડાણપૂર્વક તપાસ કરાય.
  5. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તળાવના પાણીનો ઉપયોગ ન કરવા જાહેર ચેતવણી અને બેરિકેડ્સ લગાવવામાં આવે.
  6. આ ગુના માટે જવાબદાર કંપનીઓ અને વ્યક્તિઓ સામે ફોજદારી કાર્યવાહી કરાય.
  7. પ્રદૂષણથી અસરગ્રસ્ત પરિવારોને સરકારી ધોરણે રાહત અને સહાય ચૂકવવામાં આવે.

જો 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચેતવણી આપવામાં આવી છે.