હત્યા કરાઇ હોવાનું ખુલ્યું:મેઘપર (બો.) બાળકીનાં મોત કેસમાં નવો વળાંક

મેઘપર(બોરીચી) માં આવેલી આશાપુરા સોસાયટીમાં પોણા સાતેક મહિના અગાઉ માસૂમ બાળકીનાં મોત પ્રકરણે ગુનો દર્જ થયો છે.સૂત્રો પરથી મળતી માહિતી આ દીકરીને સાચવવી ન પડે તે માટે તેની મારઝૂડ કરી 16 જેટલી ઇજા પહોંચાડી તેની હત્યા કરાઇ હોવાનું બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ આધોઇમાં રહેનાર યુવાન બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નેંધાવી હતી. આ ફરિયાદી યુવાન અને તેની પત્ની કૃપા વચ્ચે અણબનાવ તથા ઘરકંકાસના કારણે બારેક મહિનાથી આ બંને એકબીજાથી અલગ રહેતા હતા. દરમ્યાન, ફરિયાદીના પત્ની એકબીજા સાથે ફૂલહાર કરી એકબીજાના પતિ-પત્ની તરીકે રહેતા હતા અને ફરિયાદીની દીકરી પણ સાથે રહેતી હતી. દરમ્યાન, ગત તા. 6/3ના બાળકીનું મોત થતાં જે-તે વખતે તે સોફા પરથી પડી જતાં માથામાં ઇજાઓ થતાં મોત થયું હોવાનું જણાવાયું હતું. બાળકીની લાશનું એફ.એસ.એલ. કરાવવા જામનગર લઇ જવાઇ હતી. દરમ્યાન, ફરિયાદી આ પ્રકરણે હાઇકોર્ટમાં પણ ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેવામાં મોતનું અંતિમ કારણ પણ બહાર આવ્યું હતું. બાળકીનાં મોતના બે-ચાર-છ દિવસ પહેલાં તેને મારઝૂડ કરવામાં આવી હતી, જેના કારણે તેને 16 જેટલી નાની-મોટી ઇજા તથા માથામાં ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. કૃપા જેની સાથે પત્ની તરીકે રહેતી હતી તેવા આરોપીને ફરિયાદી ની દીકરી સાચવવી ન પડે તે માટે તેને મારઝૂડ કરી તેની હત્યા નીપજાવી હોવા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. માસૂમ બાળકીની હત્યાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી છે. પોલીસે હત્યા સહિતની કલમો તળે ગુનો નોંધી તેને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી હોવાનું અંજાર પી.આઇ. હકુમતસિંહ જાડેજાએ જણાવ્યું હતું.