ઘેરાયા જ્ઞાનેશકુમાર, સુપ્રીમ સુનાવણી માટે તૈયાર

image

ચૂંટણીપંચમાં મતદારયાદીની વિશેષ ઘનિષ્ઠ સુધારણાની કામગીરીમાં કથિત મતભેદ અને વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.સૂત્રો પરથી મળતી માહિતી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ સંમત થઇ છે અને આગામી સપ્તાહે સુનાવણી થશે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ચૂંટણીપંચના નામે લેવામાં આવેલા કેટલાક નિર્ણયોમાં અન્ય ચૂંટણી કમિશનરોની સંમતિ નહોતી. ખાસ કરીને સરની કામગીરી લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદાર રાકેશકુમાર સિંહે બંધારણની કલમ-32 હેઠળ આ અરજી દાખલ કરી છે.  અરજીમાં ચૂંટણીપંચના બહુસભ્યપદના સ્વરૂપ, નિર્ણય લેવાની પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનરની સત્તાઓને લઈને અનેક માગણીઓ કરવામાં આવી છે. મંગળવારે વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ આ મામલાને વહેલી તકે સૂચિબદ્ધ કરવાની વિનંતી કરી હતી. અદાલતે અરજીને આગામી સપ્તાહે સુનાવણી માટે લિસ્ટ કરવા સંમતિ આપી હતી. અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવાની માંગ સહિત અનેક માગણીઓ કરવામાં આવી છે.  અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ-2023ની કલમ-18નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજી અનુસાર, ચૂંટણીપંચના કામકાજ અને જવાબદારીઓનું વિતરણ શક્ય હોય ત્યાં સુધી સર્વસંમતિથી થવું જોઈએ અને મતભેદની સ્થિતિમાં બહુમતીથી નિર્ણય લેવો જોઈએ. અરજદારનો દાવો છે કે, ઓક્ટોબર-2025થી ઓગસ્ટ-2026 વચ્ચે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ ઓછામાં ઓછા 14 મામલામાં વાંધો નોંધાવ્યો હતો. અરજીમાં આરોપ છે કે, આ મામલાઓમાં એવાં પગલાં લેવામાં આવ્યાં હતાં, જેને બંને ચૂંટણી કમિશનરે ચૂંટણીપંચની મંજૂરી વિના લેવામાં આવેલાં  પગલાં ગણાવ્યાં હતાં. આ આરોપોમાં સૌથી મહત્ત્વનો મુદ્દો સર છે. અરજીમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, સર સાથે જોડાયેલો નિર્ણય ખરેખર સમગ્ર ચૂંટણીપંચનો નિર્ણય હતો કે પછી તે મુખ્ય ચૂંટણી કમિશનરના સ્તરે લેવામાં આવ્યો હતો. – અરજદારની સીટ રચનાની માંગ : અરજદારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સ્વતંત્ર ન્યાયિક તપાસપંચ અથવા વિશેષ તપાસ દળની રચના કરવાની માંગ કરી છે. સાથે જ ચૂંટણીપંચના ઇલેક્ટ્રોનિક અને ભૌતિક રેકોર્ડ સુરક્ષિત રાખવાની પણ માંગ કરવામાં આવી છે, જેથી જાણી શકાય કે વિવાદિત નિર્ણયો કયા સ્તરે અને કઈ પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યા હતા.