એસ્સાર અમેરિકાનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવશે

image

ભારતીય કંપનીઓ હવે વૈશ્વિક મંચ પર પોતાની વધુ ને વધુ તાકાત દર્શાવી રહી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં એક ઐતિહાસિક જાહેરાત કરી કે, ભારતનું એસ્સાર ગ્રુપ, તેની યુએસ પેટાકંપની મેસાબી મેટાલિક્સ દ્વારા અમેરિકન ઇતિહાસનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ બનાવી રહ્યું છે.  ભારતનું એસ્સાર ગ્રુપ યુએસમાં 18 બિલિયન ડોલરનું  રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે, જે વિદેશમાં તેના સૌથી મોટા રોકાણોમાંનું એક રહેશે. અહેવાલ મુજબ, ટ્રમ્પે જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ વાર્ષિક આશરે 10 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરશે. આ પ્રોજેક્ટ માટેનું લોખંડ મિનેસોટાની ખાણોમાંથી કાઢવામાં આવશે, જેને આયોવામાં એક નવા સ્ટીલ સંકુલમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા સ્ટીલમાં પ્રક્રિયા કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે, કાચો માલ અમેરિકન હશે અને ફેક્ટરી ત્યાં સ્થિત હશે, જે ટેરિફ વિના સુરક્ષિત સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરશે. આ જાહેરાત એસ્સાર ગ્રુપના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર રવિ રૂઇયા અને મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રૂઇયાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં યુ.એસ. કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક, યુ.એસ. એનર્જી સેક્રેટરી ક્રિસ રાઇટ, યુ.એસ. એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેન્કના ચેરમેન જોન જોવાનોવિક તેમજ આયોવાના ગવર્નર કિમ રેનોલ્ડ્સ, સેનેટર જોની ર્અન્સ્ટ અને આયોવા કોંગ્રેસનલ ડેલિગેશનના સભ્યો રિપ્રેઝન્ટેટિવ મેરિઆનેટ મિલર-મિક્સ અને એશ્લે હિન્સન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ રોકાણમાં આયોવામાં પ્રસ્તાવિત 15 બિલિયન ડોલરનાં ઇન્ટિગ્રેટેડ સ્ટીલ કોમ્પ્લેક્સ ઉપરાંત મિનેસોટા ખાતે આયર્ન ઓર માઇન અને પેલેટાઇઝિંગ ફેસિલિટીમાં થયેલા વર્તમાન  3 બિલિયન ડોલરનાં રોકાણનો સમાવેશ થાય છે. એસ્સાર ગ્રુપના વાઇસ ચેરમેન અને ફાઉન્ડર રવિ રૂઇયાએ જણાવ્યું હતું કે, `આ રોકાણ એસ્સારની વૈશ્વિક સફરમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે અને વૈશ્વિક સ્તરે વર્લ્ડ-ક્લાસ બિઝનેસ સ્થાપવાના મારા ભાઈ શશી રૂઇયાના વિઝનને આગળ ધપાવશે.  મેસાબી મેટાલિક્સના ચેરમેન રેવંત રૂઇયાએ જણાવ્યું હતું કે, `આ ક્ષણ અમેરિકન સ્ટીલ ઉદ્યોગ માટે નિર્ણાયક છે.