CWCએ માગ્યું વડાપ્રધાનનું રાજીનામું

ચૂંટણીપંચમાં મતભેદો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે મતદારયાદીના વિશેષ ગહન સુધારણા કાર્યક્રમમાં મનસ્વી ઢબે નિર્ણયો લીધાના આરોપ વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિ ની મહત્ત્વની બેઠક મળી હતી અને તેમાં જ્ઞાનેશકુમારને સીઈસી પદેથી તાત્કાલિક હટાવવાથી લઈને તેમના ઉપર દબાણ લાવવા માટે નૈતિક આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં રાજીનામા સહિતની માગણીઓ ઉઠાવવામાં આવી હતી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકને સંબોધિત કરતા પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે,  દેશમાં સર્વવિદિત છે કે, જ્ઞાનેશકુમાર સતત સત્તાધારી પક્ષને લાભ પહોંચાડવાના હેતુથી સક્રિય રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તેમને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી અને તેમને તાત્કાલિક પદ પરથી હટાવી દેવા જોઈએ. ખડગેએ આગળ કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર મોદી સરકારની કઠપૂતળી બની ગયા છે. તેમના પોતાના સહયોગીઓ પણ તેમના પર વિશ્વાસ કરતા નથી. યુવાનો સવાલ ઉઠાવશે અને તેમને પદ પરથી હટાવી દેશે. ખડગેએ સીડબલ્યુસીમાં કુલ પાંચ મુખ્ય માગણી રજૂ કરી હતી. તેમાં મતદારયાદીમાં કરવામાં આવેલા ફેરફારો સાથે સંબંધિત તમામ ડેટા જાહેર કરવો, જે મતદારોના નામ હટાવવામાં આવ્યા છે તેમને અપીલ કરવાની તક આપવી અને તમામ રાજકીય પક્ષોને સમયસર સરળ ફોર્મેટમાં મતદારયાદી ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધતાં આરોપ લગાવ્યો કે, તેમણે ચૂંટણીપંચ પર દબાણ કર્યું હતું. તેમણે નૈતિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ આ બેઠકમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, જ્ઞાનેશકુમારે પદ છોડવું જ પડશે. તેમનું રાજીનામું થવાનું જ છે. ખુદ વડાપ્રધાન તેમનું રાજીનામું અપાવશે. આ દરમિયાન તેમણે ત્રણ પ્રસ્તાવો પણ રજૂ કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું, તમને લોકો મારા પર વિશ્વાસ નથી. તમે વિશ્વાસ કરતા નથી, પરંતુ હું તમને કહું છું કે, હું વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પાસે બેઠક માટે ગયો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, અમે તો એ જ કરી રહ્યા છીએ, જે ઇન્દિરાજી કરતાં હતાં. કોંગ્રેસ સાંસદે આગળ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનની બેઠક બાદ નક્કી કરવામાં આવશે કે રામલીલા મેદાનમાં રેલી કરવી કે રાજ્યમાં. તેમણે કહ્યું કે, રામલીલા મેદાનમાં રેલી કરવાનો પ્રસ્તાવ કોંગ્રેસ રજૂ કરશે.  રાહુલ ગાંધીએ આગળ જ્ઞાનેશનાં રાજીનામાની માગણી દોહરાવતાં કહ્યું હતું કે, તે રાજીનામું આપે તો સારું અન્યથા અમારુ આંદોલન તો ચાલતું રહેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, કે.સી. વેણુગોપાલ, જયરામ રમેશ સહિત પાર્ટીના મોટા નેતાઓ હાજર રહ્યા હતા.