સુખપર ખાતે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારોની આરોગ્ય તપાસણી કરાઇ

ભુજ તાલુકાના સુખપર ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષશ્રી હરીશભાઈ ભંડેરી, સુખપર ગ્રામ પંચાયતના સરપંચશ્રી અમૃતબેન સહિત જિલ્લા તથા તાલુકા કક્ષાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સુખપરની આરોગ્ય ટીમ દ્વારા સફાઈ કામદારો માટે વિશેષ આરોગ્ય તપાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો. સફાઈ કામદારોના આરોગ્યની તપાસ સાથે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એનિમિયા મુક્ત ભારત અભિયાન અંતર્ગત તમામ સફાઈ કામદારોનું હિમોગ્લોબિન તપાસવામાં આવ્યું હતું. ઉપરાંત બિનચેપી રોગો (NCD) અંતર્ગત બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જેમના રિપોર્ટમાં આરોગ્યલક્ષી સમસ્યા જણાઈ હતી, તેમને સ્થળ પર જ જરૂરી સારવાર, માર્ગદર્શન અને આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવી હતી તથા જરૂરિયાત મુજબ નિયમિત ફોલોઅપ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા જણાવાયું હતું.
આ ઉપરાંત લાયક લાભાર્થીઓને આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પદાધિકારીઓશ્રીના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે આરોગ્ય તપાસ દરમિયાન બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસનું પ્રમાણ વધુ જણાયેલા સફાઈ કામદારોને તબીબની સલાહ અને સૂચનાઓનું નિયમિતપણે પાલન કરવા તેમજ સમયાંતરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ આરોગ્યની તપાસ કરાવતા રહેવા અનુરોધ કર્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમના ભાગરૂપે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીનો સંદેશ આપતા વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પદાધિકારીઓ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સફાઈ કામદારોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા, સમયસર આરોગ્ય તપાસ કરાવવા તથા સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.