નંદાસર કેનાલમાં નાહવા ગયેલા યુવાનનું મોત

રાપરના નંદાસરમાં આવેલી કેનાલમાં ડૂબી જતાં રાપરના યુવાને પોતાનો જીવ ખોયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી રાપર અને આસપાસમાં રહેનાર ચાર-પાંચ મિત્રો આજે નંદાસર બાજુ ગયા હતા. અહીં આવેલી નર્મદા કેનાલમાં બપોરના અરસામાં બે મિત્રો નાહવા પડયા હતા. જે બંને ડૂબવા લાગતાં આસપાસના લોકોએ દોડધામ આદરીને એક યુવાનને બચાવી લીધો હતો, જ્યારે યુવાન પાણીમાં ગરકાવ થયો હતો. આ બનાવની જાણ ભચાઉ અગ્નિશમન દળને કરાતા ટીમ અહીં તાબડતોબ દોડી આવી હતી અને ટીમે ચાર-પાંચ કલાક બોટ વડે કેનાલમાં શોધખોળ હાથ ધર્યા બાદ લાશને સમી સાંજે બહાર કાઢી હતી. પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.બીજી બાજુ અંજારના ખંભરામાં યુવતીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો તેમજ અંજારના ભીમાસર નજીક 50થી 55 વર્ષના અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી. વધુ એક બનાવ ખંભરામાં બન્યો હતો. અહીં રહેનાર યુવતી ગત તા. 29/9ના બપોરના અરસામાં પોતાના ઘરે હતી, દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેણે ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ખોયો હતો. બનાવ અંગે પોલીસે નોંધ કરી બનવા પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો બનાવ ભીમાસરમાં બન્યો હતો. અહીં ચકાસર તળાવના દક્ષિણ કાંઠે મૃત હાલતમાં 50થી 55 વર્ષીય આધેડની લાશ મળી આવી હતી. આધેડના જમણા હાથના કાંડા પર ઓમ કોતરાયેલું છે. તેમના સગા-સંબંધીઓએ અંજાર પોલીસનો સંપર્ક કરવા પોલીસે એક યાદીમાં જણાવ્યું હતું.