માતાના મઢ જતા પદયાત્રીઓ અને વાહનચાલકોની સલામતી માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), કચ્છ દ્વારા સરાહનીય કામગીરી

નવરાત્રીના પવિત્ર અવસર નિમિત્તે આદ્યશક્તિ માં આશાપુરાના દર્શનાર્થે પવિત્ર યાત્રાધામ માતાના મઢ ખાતે સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને તેમજ વિવિધ વાહનો મારફતે પધારી રહ્યા છે. આ પાવન અવસરે યાત્રાળુઓની શ્રદ્ધા, આસ્થા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવામાં આવી છે. પદયાત્રીઓ અને વાહનચાલકોની અવરજવર સુગમ અને સુરક્ષિત બને તે હેતુથી માર્ગ અને મકાન પેટા વિભાગ (રાજ્ય), નખત્રાણા દ્વારા માર્ગ સલામતીને લગતા વિવિધ મહત્વપૂર્ણ કાર્યો સુચારુરૂપે પૂર્ણ કરવામાં આવ્યા છે. આ કામગીરી કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.
પદયાત્રીઓની સુગમતા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે માર્ગની બંને બાજુએ ઉગી નીકળેલી ઝાડી-ઝાંખરા અને વનસ્પતિને લીધે ચાલવામાં પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ઝાડી કટિંગ તેમજ સાફ-સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત, વાહનચાલકોને માર્ગની દિશા તેમજ ગતિ નિયંત્રણ અંગે જાણકારી મળી રહે અને રસ્તો ઓળંગતા પદયાત્રીઓની સલામતી જળવાઈ રહે તે માટે મુખ્ય માર્ગો પર સ્પષ્ટ રોડ માર્કિંગ તેમજ ઝેબ્રા ક્રોસિંગના પટ્ટા લગાવવામાં આવ્યા છે. વાહનોની ગતિને નિયંત્રિત કરવા માટે સ્પીડ બ્રેકરને ફરીથી રંગવામાં આવ્યા છે. જેથી રાત્રિના અંધકારમાં પણ વાહનચાલકોને સ્પીડ બ્રેકર દૂરથી સ્પષ્ટ નજરે પડે. આ ઉપરાંત, રાત્રિના સમયે ડ્રાઇવિંગ સરળ અને જોખમમુક્ત બને તે હેતુથી સેફ્ટી રિફ્લેક્ટર્સ અને કેટ આઈ લગાવવાની કામગીરી પણ સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા અંધારા કે વળાંકવાળા સંવેદનશીલ વિસ્તારોમાં વાહનચાલકો અગાઉથી જ સાવધ અને સતર્ક બને તે માટે રેડિયમવાળા ચેતવણી અને દિશા-સૂચક બોર્ડ લગાડવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ સક્રિય અને આગોતરી માર્ગ સુરક્ષા વ્યવસ્થાઓના પરિણામે માતાના મઢ દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓની નવરાત્રી યાત્રા વધુ સુવિધાયુક્ત, સુગમ અને સુરક્ષિત બની રહેશે તેમ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.