સ્મિતને ગુજરાત ગરિમા એવોર્ડ આપશે સરકાર

image

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, લોહીલુહાણ સ્થિતિમાં પણ મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને દેશનું નામ રોશન કરનાર કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર દ્વારા વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.સૂત્રો પરથી મળતી માહિતી તેઓ મૂળ વઢવાણના વતની છે અને તેમનું સાસરુ સાવરકુંડલામાં છે. મુખ્યમંત્રીએ તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી છે. દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ માં કો-પાઈલટે વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ કરતા સનસનીખેજ ઘટના સામે આવી છે. ફ્લાઈટે ઉડાન ભર્યાના અડધા કલાકમાં જ કોકપિટમાં ઓમાનના રહેવાસી કો-પાઈલટે ચાકુ વડે મુખ્ય કેપ્ટન પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોર પાઈલટ 9/11 જેવી ઘટનાને અંજામ આપીને વિમાન ક્રેશ કરવા માગતો હતો. જોકે, ઈજાગ્રસ્ત સ્થિતિમાં પણ અદમ્ય સાહસ દર્શાવ્યું હતું અને હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થવા છતાં મૂળ ગુજરાતના કેપ્ટન સ્મિત મચ્છરે હિંમત હાર્યા વગર હુમલાખોરનો સામનો કર્યો હતો.  ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનાને આતંકી કૃત્ય ગણાવતા કેપ્ટન સ્મિત મચ્છરના સાહસના વખાણ કર્યા હતા. નેતન્યાહૂએ જણાવ્યું હતું કે ભારતીય પાઈલટ સ્મિત મચ્છરને અસાધારણ બહાદુરી માટે સલામ, તેણે 9-11 જેવી મોટી તબાહી થતા અટકાવી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિતના પરિવાર સાથે વાતચીત કરીને તેમની અસાધારણ બહાદુરીને બિરદાવી હતી.