ભુજ શહેરના ટ્રાફિક ભારણને ઘટાડવા નવા બાયપાસ માર્ગોના નિર્માણ માટે સાંસદશ્રી વિનોદભાઇચાવડા દ્વારા ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી અને માર્ગ અને મકાન વિભાગ ભુજ ને રજુઆત કરવામાં આવી
ભુજ શહેર તથા આસપાસના વિસ્તારોમાં વધતા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય અને
નાગરિકોને વધુ સુગમ, ઝડપી તથા સલામત માર્ગવ્યવસ્થા મળી રહે તે હેતુથી કચ્છ લોકસભા મતવિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ
ચાવડાએ માર્ગ અને મકાન વિભાગ તેમજ ગુજરાત સરકાર સમક્ષ મહત્વપૂર્ણ બાયપાસ માર્ગોના નિર્માણ માટે ભલામણ કરી છે.
આ અંતર્ગત ભુજ એરપોર્ટ રોડ – રતીયા સીમ થી સુખપર-માનકુવા વચ્ચે જોડતો બાયપાસ માટે કાર્યવાહી હાથ ધરવા માટે
ભલામણ કરવામાં આવી છે. આ માર્ગના નિર્માણથી ભુજ શહેર તરફ આવતા-જતા વાહનો માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ થશે તેમજ
શહેરના આંતરિક માર્ગો પરનું ટ્રાફિક ભારણ ઘટાડવામાં મદદ મળશે.
તે ઉપરાંત પાલરા થી શેખપીર બાયપાસ રોડ તથા ભુજોડીથી સુખપર બાયપાસ રોડના જલદી થી નિર્માણ માટે પણ
સાંસદશ્રીએ સંબંધિત માર્ગ અને મકાન વિભાગ ભુજ તથા તેમજ માર્ગ અને મકાન વિભાગ નો હવાલો ધરાવતા ગુજરાતનાં
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે.
આ બાયપાસ માર્ગો વિકસિત થતાં ભુજ શહેર અને આસપાસના વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધુ સુદૃઢ બનશે. ભારે
વાહનો તથા લાંબા અંતરના વાહનવ્યવહારને શહેરના મુખ્ય માર્ગોથી દૂર રાખવામાં મદદ મળશે, જેના પરિણામે શહેરના ટ્રાફિક
વ્યવસ્થાપનમાં સુધારો થવાની સાથે મુસાફરીનો સમય ઘટાડવામાં પણ સહાયરૂપ બનશે.
સાંસદશ્રીએ માર્ગ અને મકાન વિભાગ તથા R&B વિભાગ, ભુજને આ માર્ગો અંગે જરૂરી સ્થળ નિરીક્ષણ, સર્વે, ટેકનિકલ પ્રક્રિયા
તથા અંદાજ તૈયાર કરી વિકાસકાર્યને આગળ ધપાવવા અનુરોધ કર્યો છે. સાથે જ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ આ
મહત્વપૂર્ણ માર્ગ વિકાસ કામોને પ્રાથમિકતા આપી જરૂરી મંજૂરી અને નાણાકીય જોગવાઈ કરવા માટે ભલામણ કરવામાં આવી છે.
ભુજ શહેરના ભવિષ્યના વિકાસ, વધતા શહેરીકરણ અને વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને આ બાયપાસ માર્ગોનું નિર્માણ
શહેરના માળખાગત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે અને કચ્છના મુખ્ય મથક ભુજને વધુ સુવ્યવસ્થિત તથા સુગમ પરિવહન
વ્યવસ્થા તરફ આગળ લઈ જશે.