યુવાનો પોતાના કાર્યક્ષેત્રમાં નિતિમત્તા અને સમપર્ણ સાથે સેવાની ભાવના વિકસાવી સશક્ત ભારતના નિર્માણ માટે આગળ આવે : રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

01 (1)

 ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ આજે રાજ્યપાલશ્રી અને યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભુજ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ૬૯૮૯ વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને સ્નાતકની પદવી તથા ૪૩ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિ માટે ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા.

દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્યામજી કૃષ્ણ વર્માની જન્મજયંતિએ તેમને નમન કરતા જણાવ્યું હતું કે, કચ્છના સપુત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશની ધરતી પર રહીને દેશની આઝાદી માટે ક્રાંતિવીરો તૈયાર કર્યા હતા. શ્યામજી કૃષ્ણવર્મા તથા તેમના ગુરુ મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન યુવાઓ માટે પ્રેરણારૂપ ગણાવીને રાજ્યપાલશ્રીએ યુવાનોને કર્તવ્યભાવના, રાષ્ટ્રધર્મ, સમાજધર્મ તથા પરિવારધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ આજરોજ લોકાપર્ણ કરાયેલી ડિજિટલ લાઇબ્રેરી તથા સ્કીલ સેન્ટરને યુવાનો માટે વરદાનરૂપ ગણાવીને અભ્યાસ સાથે પોતાની સ્કીલને ઓળખીને તે દિશામાં આગળ વધવા શીખ આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, એક સમયે સતત સંઘર્ષોનો સામના કરતા કચ્છની દશા અને દિશા બંને બદલીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છને વિવિધ ક્ષેત્ર અગ્રેસર બનાવ્યું છે. આજે સમગ્ર વિશ્વ કચ્છને જાણવા અને માણવા આવે છે.

 રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે યુવાનોને ડીગ્રીને માત્ર રોજગારનું માધ્યમ ન ગણીને પોતાના ક્ષેત્રમાં યોગ્યતા કેળવવવા સાથે નિતિમત્તા, સમપર્ણ સાથે માનવતાની સેવાની ભાવના વિકસાવી સશક્ત ભારતના નિર્માણ માટે આગળ આવવા હાકલ કરી હતી. આ પ્રસંગે તેમણે યુવાઓને રાષ્ટ્રની ઉન્નતિને પ્રાધાન્ય આપવા, વૃક્ષારોપણ, જળ સંચય કરવા તથા નશાખોરીને તિલાંજલી આપવા સંકલ્પબદ્ધ કર્યા હતા.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દેશ પ્રત્યેની કાર્યનિષ્ઠા, કર્તવ્યભાવનાને આદર્શરૂપ ગણી વિદ્યાર્થીઓને પણ ભારતના વિકાસમાં આવી જ કર્તવ્યનિષ્ઠા દર્શાવવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં ભારત મજબૂત અર્થવ્યવસ્થા સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે આજના યુવાનો ગેરમાર્ગે ન દોરાવાઇને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગી બને.

 આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતી નિમિત્તે નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યપાલશ્રીની પ્રેરણાથી આજે કચ્છમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ક્રાંતિ આવી છે. કચ્છના ખેડૂતો નવા પ્રયાસો કરી રહ્યા છે. તેમણે આજરોજ લોકાર્પિત કરાયેલી ડિજિટલ લાઇબ્રેરી તથા સ્કીલ સેન્ટરને આર્શીવાદરૂપ ગણાવીને આવનારા સમયમાં પણ નવા સંકલ્પો સાથે નવા આયામો સર કરવા શુભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૪માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્થપાયેલી આ યુનિવર્સિટી આજે સફળતાપૂર્વક આગળ વધી રહી છે અને આગામી સમયમાં ગુજરાતની ટોચની યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવે તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો હતો. તેમણે પદવી પ્રાપ્ત કરનાર સૌ યુવા વિદ્યાર્થીઓને જીવનના નવા પડાવ માટે હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી. 

દીક્ષાંત સમારોહમાં ૪૩ ગોલ્ડ મેડાલીસ્ટોને રાજ્યપાલશ્રીના હસ્તે ડિગ્રી સાથે મેડલ એનાયત કરાયા હતા. તેમજ પીએચડી થયેલા ૨૭ છાત્રોને પ્રોત્સાહિત કરાયા હતા.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલે યુનિવર્સિટીના વિકાસકામોની છણાવટ સાથે યુનિવસિર્ટીમાં નિર્માણ પામેલ મ્યુઝિયમ, મોલ, જીમ, કાફેટેરીયાનું આગામી સમયમાં લોકાર્પણ તથા જિલ્લાના એક્સટેન્શન સેન્ટર, યુનિવર્સિટીની શૈક્ષિણક પ્રગતિ તથા નવા આયોજન હેઠળના વિકાસકામો અંગે વગેરે માહિતી પૂરી પાડી હતી. તેમણે આગામી સમયમાં નવા ભવન, નવીન અભ્યાસક્રમો શરૂ કરવા તેમજ કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલી વિવિધ શોધ, સંશોધન અંગે માહિતી આપીને ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં કચ્છ યુનિવર્સિટીને વિશેષ ઓળખ અપાવવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને કચ્છ યુનિવસિર્ટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે બે મહત્વપૂર્ણ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છને ગ્રીન એનર્જી હબ બનાવવાના લક્ષ્ય સાથે સ્કીલ સેન્ટર અને વિદ્યાર્થીઓ માટે આધુનિક ટેકનોલોજીથી સજ્જ ‘નમો ઇ-લાઇબ્રેરી‘નો સમાવેશ થાય છે. ઉપરાંત રાજ્યપાલશ્રી દ્વારા કચ્છ યુનિવસિર્ટી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, કલેકટરશ્રી અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી. શ્રી વિકાસ સુંડા, રજિસ્ટ્રારશ્રી ડો.અનિલ ગોર,  ઇસી સભ્યો, ફેકલ્ટી ડીન, કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, કર્મચારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોક્ષ –  આધુનિક ઈ-લાઇબ્રેરી કચ્છના વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકો માટે જ્ઞાનના નવા દ્વાર ખોલશે

આધુનિક ઈ-લાઇબ્રેરીની આ મહત્વપૂર્ણ સુવિધા District Mineral Foundation (DMF) Fund અંતર્ગત વિકસાવવામાં આવી છે. કચ્છ જિલ્લાના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરણા અને સહયોગથી સાકાર થયેલી આ ઈ-લાઇબ્રેરી કચ્છના વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકો માટે જ્ઞાનના નવા દ્વાર ખોલશે.

વાતાનુકૂલિત અને આરામદાયક અભ્યાસની સુવિધા સાથે કમ્પ્યુટર સિસ્ટમ્સ દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોને ડિજિટલ શૈક્ષણિક સંસાધનોનો સીધો ઉપયોગ કરવાની સુવિધા મળશે. ખાસ કરીને INFLIBNET તથા One Nation One Subscription (ONOS) જેવી રાષ્ટ્રીય સ્તરની ઈ-રિસોર્સ સેવાઓના માધ્યમથી વિવિધ વિષયોના ઉચ્ચ ગુણવત્તાવાળા ઈ-જર્નલ્સ, ઈ-બુક્સ, સંશોધન સામગ્રી, થિસિસ અને અન્ય શૈક્ષણિક સાહિત્ય સુધી વિદ્યાર્થીઓની પહોંચ વધુ સરળ બનશે. દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓને મોંઘા સંદર્ભ પુસ્તકો, આંતરરાષ્ટ્રીય જર્નલ્સ અને અદ્યતન સંશોધન સામગ્રી માટે અન્ય મોટા શહેરો પર નિર્ભર રહેવાની જરૂરિયાત હવે ઘટશે.

આ ઈ-લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, NET/GSET, UPSC/GPSC, વિવિધ વ્યાવસાયિક પરીક્ષાઓ, ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે વિદ્યાર્થીઓને વધુ સશક્ત બનાવશે. ખાસ કરીને Ph.D. અને અન્ય સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે વિશ્વસ્તરીય સંશોધન લેખો અને જર્નલ્સ સુધીની સરળ પહોંચ સંશોધનની ગુણવત્તા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.