રેલવે ઓવરબ્રિજ નજીક સરકારી જમીનમાં બેફામ ખનનનો આક્ષેપ, ભચાઉ તંત્ર હવે શું કાર્યવાહી કરશે?

ભચાઉ: ભચાઉ નજીક આવેલ રેલવે ઓવરબ્રિજ આસપાસ સરકારી જમીનમાં મલાઓ અને નાગલાઓ દ્વારા મોટા પાયે ખનન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ભચાઉ તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ સરકારી જમીનમાંથી બેફામ ખનન થઈ રહ્યું હોવાની ચર્ચા વચ્ચે સરકારી તિજોરીને નુકસાન થતું હોવાના ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે આ સમગ્ર પ્રવૃત્તિમાં એક કથિત ફ્રોડ ડિગ્રી ધરાવતા વ્યક્તિ/અધિકારીની ભૂમિકા અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ બાબતે સત્તાવાર તપાસ થાય અને હકીકત બહાર આવે તે જરૂરી છે.
સરકારી જમીનમાં પરવાનગી વિના ખનન કે માટી-મુરમનું ઉપાડ કરવામાં આવ્યું હોય તો જવાબદાર લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી થવી જોઈએ. ખાસ કરીને રેલવે ઓવરબ્રિજ જેવા મહત્વના જાહેર સ્થળની આસપાસ જમીનના ખનનથી જમીનની સ્થિતિ અને જાહેર મિલકતની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થાય છે.
હવે સવાલ એ છે કે ભચાઉના નવા IAS અધિકારી અભિષેક પ્રમોદ તળેના માર્ગદર્શન હેઠળ તંત્રની ટીમ આ સ્થળે તપાસ કરશે કે નહીં? સરકારી જમીનની માપણી, ખનનનું પ્રમાણ, પરવાનગી તથા રોયલ્ટી સહિતના મુદ્દે તપાસ કરીને જો ગેરકાયદેસર ખનન સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.
આ મામલે સંબંધિત વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી સરકારી જમીનનું રક્ષણ અને સરકારી આવકના સંભવિત નુકસાન અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.