પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હરિત ઊર્જાના વિઝનથી કચ્છની ભૂમિનું ભવિષ્ય બદલાયું : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ આજરોજ કચ્છના ખાવડા પાસે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ગ્રીન ઊર્જા જ આવનારા સમયનું ભવિષ્ય હોવા પર ભાર મૂકીને પવન ઊર્જા અને સોલાર ઉર્જા ક્ષેત્રે ખાવડા હાઈબ્રિડ રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી.
રાજ્યપાલશ્રીએ ખાવડા આર.ઈ.પાર્કના અદાણી સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી ઊર્જા ઉત્પાદન, મોનિટરીંગ અને સપ્લાય સહિતની બાબતોની જાણકારી મેળવી હતી. રાજ્યપાલશ્રીએ સ્વદેશી ટેક્નોલોજીના માધ્યમથી ગ્રીન ઊર્જાના લક્ષ્યાંકો હાંસલ કરી આત્મનિર્ભર બનવા આહ્વાન કર્યું હતું.
કચ્છ આગામી દિવસોમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે દેશ અને દુનિયામાં અગ્રેસર બનશે એ જાણીને રાજ્યપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છની ધરતીનું ભાવિ સકારાત્મક રીતે બદલાયું છે. રાજ્યપાલશ્રીએ નેશનલ પાવર ગ્રીડ, ઊર્જા સંગ્રહ માટે બેટરી સ્ટોરેજ ફેસિલિટી, સ્થાનિકકક્ષાએ વિન્ડ અને સોલાર એનર્જી માટે જરૂરી મશીનરી અને મટીરીયલ્સનું ઉત્પાદન વગેરે બાબતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. ભવિષ્યની વીજ માંગને પહોંચી વળવા તથા પર્યાવરણ અનુકૂળ વીજ ઉત્પાદન માટેના ગુજરાત સરકારનાં આગોતરા આયોજનની રાજ્યપાલશ્રીએ પ્રશંસા કરી હતી.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ,ખાવડાના પ્રોજેક્ટ હેડશ્રી શકીલ ચૌહાણે વિન્ડ અને સોલાર એનર્જીના માધ્યમથી ભારતની ઊર્જા જરૂરિયાતને પૂર્ણ કરવામાં કચ્છ કેવી રીતે અગ્રેસર બની રહ્યું છે તેની જાણકારી આપી હતી. ખેતી માટે બિનઉપજાઊ રણની ખારાશવાળી
જમીનમાં લાખો સોલાર પ્લેટ નિહાળીને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી પ્રભાવિત થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારત સમગ્ર વિશ્વમાં ગ્રીન અને ક્લિન ઊર્જાના ક્ષેત્રેમાં અગ્રેસર બને તે હેતુથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર-૨૦૨૦ માં ખાવડા પાસે આ આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે ૮૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધીન આ પાર્કમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૩૭ ગીગાવોટ ૧૦૦ ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આર.ઈ. પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ, ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, સર્જન રિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત સરકારી અને ખાનગી કંપનીઓના પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
આ મુલાકાત દરમિયાન નખત્રાણા પ્રાંત અધિકારીશ્રી ઉત્કર્ષ ઉજ્જવલ, તાલીમી સનદી અધિકારીશ્રી માર્ગી શાહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી મનિષા દેસાઈ સહિત અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ઉચ્ચ અધિકારીશ્રીઓ, વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.