મુંદરા તાલુકાના વિરાણીયા ગામે રાજ્યપાલશ્રીએ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની ગ્રામજનોને આપ્યો સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ

કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પોતાની મુલાકાતના પ્રથમ દિવસે સાંજે મુંદરા તાલુકાના વિરાણીયા ગામની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીને સૌને પ્રેરણા આપી હતી.
વિરાણીયા ગામે રાજ્યપાલશ્રીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને ગામના વથાણ ચોક ખાતે સફાઈ કરી હતી. રાજ્યના પ્રથમ નાગરિકને જાતે સફાઈ કરતા જોઈને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ આ અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે ગ્રામજનો સાથે સંવાદ સાધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય બાપુના વિચારોની યાદ અપાવતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી હંમેશાં કહેતા કે ઈશ્વરનો વાસ સ્વચ્છતામાં છે. સ્વચ્છતા જાળવવાથી રોગચાળો અટકતા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે, ત્યારે રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને પોતાના જન્મસ્થળ અને કર્મસ્થળને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. જો આપણું ગામ સ્વચ્છ હશે તો આપણું મન અને શરીર પણ સ્વસ્થ રહેશે. ત્યારે પોતાના ઘરની જેમ ગામને સ્વચ્છ રાખવું એ સહુની નૈતિક ફરજ હોવાનું જણાવીને વિરાણીયાને ઉદાહરણરૂપ બનાવવા રાજ્યપાલશ્રીએ અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ સહુ ગ્રામજનોને સ્વચ્છતાને પોતાના જીવનનું અંગ બનાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ગામના સફાઈ કર્મચારીઓનું સન્માન કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સંતોકબા જાડેજા, જિલ્લા કલેકટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, સરપંચશ્રી શક્તિસિંહ જાડેજા, આગેવાનશ્રીઓ દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સદસ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.