મિયાવાકી પદ્ધતિથી ૧.૪૭ એકરમાં ૩ હજાર રોપાઓ સાથે ‘વનકવચ’ આકાર પામશે

WhatsApp Image 2026-10-04 at 5.15.57 PM (1)

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે એક પેડ મા કે નામ ૩.૦ અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રકૃતિનાં સંરક્ષણ અને માતૃવંદનાના અનોખા સમન્વય સાથે શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન એક પેડ મા કે નામના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે કચ્છના મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામે વિવિધ સંસ્થા અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

 આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વૃક્ષો એ ધરતીનું આભૂષણ છે.  પ્રકૃતિનું જતન અને સંવર્ધન એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ આવનારી પેઢી માટે અમૂલ્ય હરિત વારસો તૈયાર કરવાનો પવિત્ર સંકલ્પ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ મા કે નામ‘ અભિયાન ધરતી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે. તેમણે જણાવ્યું કે, માત્ર વૃક્ષો વાવી દેવાથી કાર્ય પૂરું થતું નથી, પરંતુ તેનું પોષણ, ઉછેર અને જતન એટલું જ અનિવાર્ય છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રોમાં વૃક્ષોને દેવતા સમાન કહ્યાં છે, વૃક્ષો જીવનભર ઓક્સિજન, છાંયડો, ફળ અને લાકડું આપે છે. તેમણે જણાવ્યું કે, કચ્છનાં વિશાળ ભૂભાગમાં મોટાપાયે વૃક્ષારોપણ થઈ શકે તેમ છે. વૃક્ષો વાવવાથી સમયસર અને પૂરતો વરસાદ થાય છે, જેનો લાભ સમગ્ર જીવસૃષ્ટિને મળે છે.  ગામની ગૌચર કે પંચાયતની ખાલી જમીનો પર વધુમાં વધુ વૃક્ષો વાવવા તેમણે અપીલ કરી હતી. 

લોકોને પોતાના બાળકોના જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ જેવા શુભ પ્રસંગોએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીને તેનું જતન કરવા રાજ્યપાલશ્રીએ આહ્વાન કર્યું હતું.

આ તકે રાજ્યપાલશ્રીએ વૃક્ષારોપણ કરનાર તમામ ગ્રામજનો, સંસ્થાઓ, વન વિભાગ અને વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

પર્યાવરણ સંતુલન, હીટ મેનેજમેન્ટ તેમજ જૈવવિવિધતાના સંવર્ધનને ધ્યાને રાખીને વિરાણીયા ખાતે ક્રીડા અને ક્લાઇમેટ કેનોપી ફાઉન્ડેશનના સહયોગથી અંદાજે ૧.૪૭ એકર જમીનમાં ચાર ઝોનમાં પ્રત્યેક ઝોનમાં ૭૫૦-૭૫૦ મળીને કુલ ૩,૦૦૦ જેટલા વૃક્ષોનું મિયાવાકી પદ્ધતિથી વન કવચ આકાર પામશે. ઓછી જગ્યામાં સઘન ઓક્સિજન પાર્ક તૈયાર કરાશે, જેમાં ઉચ્ચ, મધ્યમ અને નીચલા સ્તરના દેશી વૃક્ષોની પદ્ધતિસર પસંદગી કરવામાં આવી છે. આ હરિયાળા પ્રકલ્પમાં લીમડો, પીપળો, વડ, ઉંબરો, દેશી બાવળ, ખીજડો, બોરસલી, ગુલમોહર અને મહુડો જેવા પ્રકૃતિ-અનુકૂળ વૃક્ષો ૩-૩ ફૂટના યોગ્ય અંતરે રોપાયા છે. છોડના પોષણ માટે દેશી ગાયના ખાતરનો ઉપયોગ કરાશે. તેમજ પાણીના કરકસરભર્યા ઉપયોગ અને ઝડપી વિકાસ માટે ટપક સિંચાઈ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લીમડો, વડ, પીપળો અને ઉંબરો જેવા મહાકાય વૃક્ષો વાર્ષિક ૪ થી ૬ ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી શોષી લઈને  વિપુલ માત્રામાં જીવનરક્ષક પ્રાણવાયુ મુક્ત કરે છે. આવનારા સમયમાં આ વન વિરાણીયા ગામ માટે એક પ્રાકૃતિક ફેફસાં સમાન સાબિત થશે અને સ્થાનિક પરિસ્થિતિને શીતળતા પ્રદાન કરશે. સામાજિક વનીકરણ વિભાગ – કચ્છ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો, પર્યાવરણ પ્રેમીઓ અને વન વિભાગના કર્મચારીઓએ વિશાળ સંખ્યામાં સહભાગી થઈને હરિત ક્રાંતિના આ સંકલ્પને સફળ બનાવ્યો હતો. 

આ અવસરે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, તાલુકા પંચાયત મુન્દ્રાના પ્રમુખ શ્રીમતી સંતોકબા જાડેજા, વિરાણીયા ગામના સરપંચ શ્રી શક્તિસિંહ જાડેજા, જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા તેમજ સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષકશ્રી જે. આર. પટેલ સહિતના અગ્રણીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું.