રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રાના મોટા કપાયા ખાતે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઇને પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો

કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે પ્રગતિશીલ ખેડૂત શ્રી દિનેશભાઈ વાલાણીના શ્રી નર નારાયણ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઇ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે ખેતરમાં ઉપસ્થિત ધરતીપુત્રોને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે દિનેશભાઈના ખેતરમાં લહેરાતા કેળ, શેરડી, મકાઈ, અંજીર, પપૈયા અને તુવેરના ઉત્કૃષ્ટ પાકો એ વાતની સાબિતી આપે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં સહેજ પણ ઘટાડો થતો નથી, પરંતુ ખર્ચ શૂન્ય થઈ જાય છે અને નફો વધે છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, સામાન્ય છાણીયા ખાતરની સરખામણીએ દેશી ગાયના ગોબર-ગૌમૂત્રના મેળવણથી બનતા ઘન જીવામૃતમાં વધુ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, આ સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાં જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે છે, જમીનને પોચી બનાવે છે અને ભેજ સંગ્રહશક્તિ વધારે છે.
યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોથી જમીન કઠણ અને બંજર બની રહી છે. તેમણે યુએનના અહેવાલોને ટાંકીને કહ્યું કે, જમીનમાં રસાયણોનો આડેધડ ઉપયોગ ચાલુ રહેશે તો ભવિષ્યમાં જમીન સંપૂર્ણ બિન ઉપજાઉ બની જશે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ અસંખ્ય બિમારીનું કારણ બને છે.
કુરુક્ષેત્ર ગુરુકુળના અનુભવ વર્ણવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખેત નિભાવ માટે વધુ ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં નહીંવત ખર્ચ આવે છે. સાથે સાથે પાણીનો વપરાશ ૫૦% ઓછો થાય અને ઉત્પાદન પણ રાસાયણિક ખેતી કરતાં વધુ નોંધાય છે.
રાજ્યપાલશ્રીએ સ્થાનિક ખેડૂત શ્રી હરીશભાઈ ઠક્કર, શ્રી મનોજભાઈ સોલંકી, શ્રી રતિલાલભાઈ શેઠિયા અને શ્રી દિનેશભાઈ વાલાણી જેવા પ્રગતિશીલ ખેડૂતોને યુગદ્રષ્ટા કહ્યાં હતાં. આ ખેડૂતોએ નુકસાનની ચિંતા કર્યા વગર પ્રાકૃતિક ખેતીની પહેલ કરી પોતાની જમીનમાં પ્રાકૃતિક ખેતીના પ્રયોગો કર્યા અને આજે સફળ થઈને તેઓ સમાજ માટે આદર્શ બન્યા છે. તેમણે ઉપસ્થિત તમામ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી ધરતી માતાનું રક્ષણ કરવા અને સમૃદ્ધ બનવા હાકલ કરી હતી.
આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ફાર્મની મુલાકાત લઈ શેરડી, કેળ, પપૈયા સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું હતું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ અને સજીવ માટી દ્વારા બનાવવામાં આવતા જીવામૃત તેમજ ઘનજીવામૃતની બનાવટ અને ઉપયોગ પદ્ધતિઓનું રાજ્યપાલશ્રીએ નિરીક્ષણ કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત “સેક્સ સોર્ટેડ સીમેન ડોઝથી જન્મેલી વાછરડીઓનું નિદર્શન” પણ નિહાળ્યું હતું.
આ તકે ફાર્મ ખાતે નરનારાયણ બાગ – ગાય આધારિત ખેતી ઉત્પાદનો તેમજ શ્રીજી ગૃહઉદ્યોગ અંતર્ગત ઉત્પાદિત કાચી ઘાણીના તેલ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા, પર્યાવરણ અને જળ સંરક્ષણ તેમજ માનવ સ્વાસ્થ્યને સુદ્રઢ બનાવવા રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે શ્રી દેવચરણ સ્વામી, કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવસીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડા તેમજ પ્રગતિશીલ ખેડૂત અગ્રણીઓ સર્વશ્રી મનોજભાઈ સોલંકી, હરીશભાઈ ઠક્કર, રતિલાલભાઈ શેઠિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.