કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ

આજરોજ કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપર ખાતે આશાપુરા મંદિર પરિસરમાં ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. આત્મા કચેરી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને સંબોધિત કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગને કારણે આજે આપણી ધરતી બિન ઉપજાઉ બની ગઈ છે. જમીનની ફળદ્રુપતા વધારનારા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામ્યા છે. ખેતરમાં નાખવામાં આવતા યુરિયા, ડીએપી અને જંતુનાશકો જમીનમાં ભળીને માત્ર ભૂગર્ભ જળને જ ઝેરી નથી બનાવી રહ્યા, પરંતુ તેમાંથી બનતો નાઈટ્રસ ઓક્સાઈડ નામનો ગેસ વાતાવરણ માટે પણ ખતરનાક સાબિત થઈ રહ્યો છે.
રાજ્યપાલશ્રીએ લોકોના કથળતા સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, આ ઝેરી રસાયણો હવા, પાણી અને અનાજ દ્વારા આપણા શરીરમાં પ્રવેશી રહ્યા છે. જેના પરિણામે આજે કેન્સર, ડાયાબિટીસ, કિડની ફેલ થવી અને યુવાનોમાં હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ ચિંતાજનક રીતે વધી ગઈ છે. માતાના અને ગાય-ભેંસના દૂધમાં પણ જંતુનાશકોના અંશ જોવા મળ્યા છે, જે દર્શાવે છે કે આપણે અજાણતા જ આવનારી પેઢીને રાસાયણિક ખેતીના નામે ઝેર પીવડાવી રહ્યા છીએ. પશુઓમાં પણ હવે કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગો જોવા મળી રહ્યા છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના સતત ઉપયોગથી જમીન સિમેન્ટ જેવી કઠણ બની ગઈ છે, જેથી વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી. અળસિયા પાણીને જમીનમાં ઉતારવાનું અને જમીનને પોચી કરવાનું કુદરતી કામ કરે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે અને જમીન વધુ ફળદ્રુપ બને છે. રાજ્યપાલશ્રીએ જાત અનુભવ અને પ્રાકૃતિક કૃષિ કરનારા કચ્છના ખેડૂતોની હાજરીમાં જ જણાવ્યું હતું કે, જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમનો ખેતીનો ખર્ચ ઘટીને નહિવત થઈ ગયો છે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં કોઈ જ ઘટાડો થતો નથી.
રાજ્યપાલશ્રીએ ખેતીમાં જીવાણુઓના મહત્વ વિશે જણાવ્યું કે, જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયા છોડ માટે રસોઈયા સમાન છે. જમીનમાં રહેલા પોષક તત્વોને છોડ ગ્રહણ કરી શકે એ સ્વરૂપમાં ફેરવવાનું કામ આ મિત્ર કીટકો કરે છે. જીવામૃતના ઉપયોગથી આ મિત્ર કીટકો અને અળસિયા ફરી જીવંત થાય છે અને જમીનને પ્રાકૃતિક રીતે જ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પૂરા પાડે છે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે. આવનારી પેઢીને રોગમુક્ત જીવન, શુદ્ધ હવા અને ફળદ્રુપ જમીન આપવા માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે. આ માત્ર ખેતી નથી, પરંતુ માનવજાતને બચાવવાનું એક મહાન પુણ્યકાર્ય છે.
રાજ્યપાલશ્રીએ હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલની જમીનમાં પ્રાકૃતિક ખેતીના સફળ પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. કચ્છના ખેડૂતો કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક વગર કઈ રીતે સફળ પ્રાકૃતિક ખેતી કરી શકે તે અંગે તેમણે વિગતવાર માહિતી આપી હતી. દેશી ગાયના મહત્ત્વ પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ ગાયને ખેતી માટે વરદાનરૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે ગાયનું ગોબર અને મૂત્ર પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન છે. દૂધના માધ્યમથી આવક વધારવા ખેડૂતોને ઉન્નત ઔલાદની ગાયો રાખવા તથા આધુનિક ટેક્નોલોજીની મદદથી બ્રીડિંગ કરવા જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને આહવાન કરતા જણાવ્યું કે, ખેડૂતોએ એકસાથે આખા ખેતરમાં રાસાયણિક ખેતી બંધ કરવાને બદલે, શરૂઆતમાં પોતાની જમીનના 25 ટકા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. જેથી ખેડૂતો સ્વયં જ અનુભવ કરીને જાણી શકશે કે પ્રાકૃતિક કૃષિ વધુ લાભદાયી છે. રાજ્યપાલશ્રીએ દરેક ખેડૂતોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિની વિનામૂલ્યે તાલીમ દરેક ખેડૂતે ચોક્કસ લેવી જોઈએ. આ ઉપરાંત, દરેક તાલુકામાં આવેલાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લેવા રાજ્યપાલશ્રીએ સૂચન કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે ઊભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ડ્રીપ ઇરિગેશન અને બાગાયતી ખેતી અપનાવીને વિશ્વભરમાં કેસર કેરી સહિતના પાકોનો ડંકો વગાડનાર કચ્છના પરિશ્રમી ખેડૂતો હવે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. સાંસદશ્રીએ ખેડૂતોને અપીલ કરતાં ભારપૂર્વક જણાવ્યું કે, વર્તમાન સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. આજે કેમિકલમુક્ત ખેતપેદાશોના ઊંચા ભાવ આપવા લોકો પણ તૈયાર છે, તેથી આર્થિક સમૃદ્ધિ અને લોકોના સ્વાસ્થ્યના બહોળા હિતમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.
આ પરિસંવાદમાં કચ્છના ગાય આધારિત પ્રાકૃતિક કરતાં પ્રગતિશીલ ખેડૂતશ્રી જીવરાજભાઈ ગઢવી અને દિનેશભાઈ વાલાણીએ પોતાના જાત અનુભવ વર્ણવીને કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી. પ્રાકૃતિક કૃષિ કરનારા ચાર જેટલા ખેડૂતોને રાજ્યપાલશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાગત પ્રવચન કરીને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલાએ પ્રાકૃતિક ખેતીના વ્યાપ વધારવાના રાજ્યપાલશ્રીના નિષ્ઠાવાન પ્રયાસોને બિરદાવ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી અભિષેક સિન્હાએ કરી હતી.
આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંતોકબા જાડેજા, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી રણજીતસિંહ જાડેજા, મુન્દ્રા એપીએમસીના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ જામ, કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, મુન્દ્રા એસએસપીશ્રી ગૌતમ વિવેકાનંદન, આત્માના જોઈન્ટ ડીરેક્ટરશ્રી ભરતભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી, આત્માના પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી પી.કે.તલાટી, વિવિધ ગામોના સરપંચશ્રીઓ, વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કચ્છના ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.