ક્રેડિટ કાર્ડના નામે કુકમામાં 3.04 લાખની છેતરપીંડી

અજાણ્યા નંબર પરથી આવતા ફોન મારફતે અપાતી ક્રેડિટ કાર્ડ સંલગ્ન અપાતા લોભામણા પ્રલોભનો અપાતા હોય છે અને તેનાથી સાવધ રહેવા તંત્ર દ્વારા લોકોને સતત કરાતી અપીલ વચ્ચે ભુજ તાલુકાના કુકમા ગામમાં રહેતા ફરિયાદીને ક્રેડિટ કાર્ડ લેવા માટે મોકલાયેલી એપીકે ફાઈલ થકી ફોન હેક કરી કુલ રૂા. 3,04,998ની ઠગાઈ કરાઈ હોવાની ફરિયાદ પધ્ધર પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.સૂત્રો પરથી મળતી માહિતી ઓનલાઈન ગઠિયાએ એચએસબીસી ક્રેડિટ કાર્ડમાંથી વાત કરું છું તેમ કહી કુકમાના વિશ્વકર્માનગરમાં રહેતા અને પારલે બિસ્કિટની કંપનીમાં નોકરી કરતા યુવાન ફેસબુકમાં એચએસબીસી ક્રેડિટ કાર્ડની જાહેરાત જોયા બાદ તે લિંક પર જઈ ઈમેઈલ આઈડીની નોંધણી કરાવી હતી, જે પછી કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી ઠગાઈના કૃત્યને અંજામ આપ્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, ફરિયાદીને અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં આરોપીએ પોતે એચએસબીસી ક્રેડિટ કાર્ડમાંથી બોલતો હોવાનું કહી લાઈફ ટાઈમ ફ્રી ક્રેડિટ કાર્ડ મળતું હોવાનું જણાવ્યું હતું, જેની ફરિયાદીએ હા પાડતાં વોટ્સએપ પર કેવાયસી માટે લિંક મૂકી હતી, જે એપીકે ફાઈલ ખોલતાં જ મોબાઈલ હેક થઈ ગયો હતો. થોડા સમય બાદ જુદા-જુદા ઓટીપી આવ્યા હતા અને ફરિયાદીના વિવિધ ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂા. 3,04,998નું ટ્રાન્ઝેક્શન થયું હતું. આ રીતે આ સાયબર ગઠિયાએ છેતરપીંડીના કૃત્યને અંજામ આપ્યો હતો. આ મામલે પધ્ધર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.