એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત:ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓને ટ્રકે અડફેટે લીધા
ભચાઉના સૂરજબારી ચેકપોસ્ટ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી જૂના કટારિયા ગામથી ચોટીલા દર્શનાર્થે પગપાળા જઈ રહેલા પદયાત્રી સંઘને પૂરઝડપે આવતી ટ્રકે પાછળથી અડફેટે લેતાં નું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગતો મુજબ, જૂના કટારિયા ગામે રહેતા અને ખેતીકામ કરતાના પરિવારજનો તથા સગા-સંબંધીઓ તા. 4/10/ 2026ના સાંજના સમયે જૂના કટારિયાથી ચોટીલાધામ દર્શન કરવા પગપાળા નીકળ્યા હતા. સમી સાંજે આશરે 7:40 વાગ્યાના સુમારે સૂરજબારી ટોલનાકું પસાર કરી નેશનલ હાઈવે પર આવેલી ખાણખનિજ ચેકપોસ્ટ સામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી ટ્રક ના ચાલકે પગપાળા જઈ રહેલા પદયાત્રીઓને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં અન્ય ત્રણ પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે સામખિયાળીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. બનાવ અંગે મૃતકના ફરિયાદના આધારે સામખિયાળી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.