ભુજ-માતાના મઢ રોડ પર શ્રદ્ધાનું ઘોડાપુર – સાંસદ વિનોદ ચાવડાએ એક દિવસ વહેલો કેમ્પ શરૂ કરાવ્યો!

આ વર્ષે માતાના મઢની યાત્રામાં જે ઘસારો જોવા મળી રહ્યો છે, એવો ઘસારો છેલ્લા ઘણા વર્ષોમાં નથી જોવા મળ્યો.

શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું છે. દિવસ-રાત લોકો પગપાળા, સાઈકલ પર, નાના-મોટા વાહનોમાં માં આશાપુરાના દર્શન માટે નીકળી પડ્યા છે. આ ભીડને જોઈને સેવાભાવી સંસ્થાઓ પણ દોડતી થઈ ગઈ છે.

આ જ ભીડને ધ્યાનમાં રાખીને સાંસદ વિનોદભાઈ ચાવડાએ એક મોટો અને માનવતાવાળો નિર્ણય લીધો છે.

મિરઝાપર પાસે દર વર્ષે લાગતો “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” જે તા. ૭મી ઓક્ટોબરથી શરૂ થવાનો હતો, તેને હવે એક દિવસ વહેલો એટલે કે તા. ૬ઠ્ઠી ઓક્ટોબર, મંગળવાર સાંજે ૬ વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ કેમ્પ કેમ ખાસ છે?

આ કોઈ સામાન્ય કેમ્પ નથી. આ કચ્છની સંસ્કૃતિનો કેમ્પ છે.

અહીં પદયાત્રીઓને ફક્ત ચા-પાણી નથી અપાતું, અહીં તેમને હિંમત અપાય છે. થાકેલા પગને આરામ અપાય છે.

આ વખતે કેમ્પમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે:

૧. મોદીજીના કચ્છ પ્રેમની ઝલક અને પ્રકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ
૨. બાજરાના રોટલા અને હેલ્ધી નાસ્તો
૩. રાત્રે દેખાય તે માટે બેગ પર રેડિયમ પટ્ટી
૪. મોબાઈલ ચાર્જિંગ, મેડિકલ સુવિધા અને ઠંડા પીણાની વ્યવસ્થા
૫. પ્લાસ્ટિક મુક્ત કચ્છનો સંદેશ

આ કેમ્પ સંસ્થા સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ, ભુજ દ્વારા ચલાવવામાં આવશે. જેમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિત અનેક આગેવાનો અને સેંકડો યુવાનો દિવસ-રાત સેવા આપશે.

ખરેખર, આવા સેવા કેમ્પોના કારણે જ કચ્છની માતાના મઢની યાત્રા આજે દેશભરમાં વખણાય છે. સેવા એ જ સાચી ભક્તિ છે, એ આ કેમ્પ બતાવે છે.