ચેક પરતના ચાર અલગ-અલગ કેસમાં એક-એક વર્ષની કેદ અને દંડની સજા
ચેક પરતના જુદા-જુદા ચાર કેસમાં આરોપી અને તેના પત્ની ને ભુજની જ્યુડિશિયલ કોર્ટે દરેક કેસમાં એક-એક વર્ષની સાદી કેદ અને દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.સૂત્રો પરથી મળતી માહિતી ફરિયાદી અરવિંદ શંકરજી ગોરે નીતીન કેશવાણીને સંબંધના નાતે રૂા. 5 લાખ ઊછીના આપ્યા હતા, જે પેટે અપાયેલો ચેક પરત ફર્યો હતો, જ્યારે કૌટુંબિક સંબધના નાતે રૂા. પાંચ લાખ ઉછીના આપ્યા હતા, જેના બદલામાં અપાયેલો ચેક પરત ફર્યો હતો. જ્યારે પણ કૌટુંબિક સંબંધની રૂએ આરોપીને રૂા. બે લાખ આપ્યા હતા, જે પેટે અપાયેલો ચેક બેંકમાંથી પાછો ફર્યો હતો, તો નાણાંની જરૂરિયાત હોતાં ફરિયાદીએ રૂા. ચાર લાખ ઉછીના આપ્યા હતા, જેના બદલે અપાયેલો ચેક બેંકમાંથી પરત ફર્યો હતો. આ ચારેય કેસમાં અદાલતે વિવિધ પુરાવાઓ તપાસી દંપતીને તકસીરવાન ઠેરવ્યા હતા અને ચારેય કેસમાં એક-એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ સાથે જ કોર્ટે ચેકની રકમ વળતર પેટે ફરિયાદીઓને ચૂકવવા હુકમ કર્યો હતો અને જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ છ માસની સજાનો આદેશ કર્યો હતો. આ કેસમાં તમામ ફરિયાદી વતી ધારાશાત્રી ડી. જે. ઠક્કર હાજર રહ્યા હતા.