સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ માટે “કલેક્ટર કી ક્લાસ” કાર્યક્રમ યોજાશે
જિલ્લા કલેકટરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતી કચ્છ જિલ્લાની દીકરીઓ માટે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “કલેક્ટર કી ક્લાસ”નું આયોજન કરવામાં આવ્યું છે.
જીપીએસસી, યુપીએસસી, ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ, પંચાયત બોર્ડ, કે પોલીસ વિભાગ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતી દીકરીઓને પ્રોત્સાહન અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી દિવસોમાં ભુજ ખાતે કલેક્ટર કી ક્લાસ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી માત્ર કચ્છની દીકરીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેમાં ઉમેદવારે પોતાનું નામ, ગામનું નામ, મોબાઈલ નંબર, હાલનો શૈક્ષણિક અભ્યાસ તેમજ હાલ કઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તે સહિતની પૂરક વિગતો ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ ડેટા એકત્રિત કરીને તેનું સંકલન કરવામાં આવશે અને ત્યારબાદ ભુજમાં “કલેકટર કી ક્લાસ” કાર્યક્રમનું આયોજન કરાશે. ભુજમાં યોજાનારા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી તેમજ અન્ય વિવિધ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે. તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ સાથે સીધો સંવાદ કરશે. દીકરીઓને અભ્યાસ અને પરીક્ષાને લગતા મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે અને કઈ રણનીતિથી પાસ કરી શકાય તે અંગે અધિકારીઓ પોતાના અનુભવોના આધારે માર્ગદર્શન પૂરું પાડશે. આ આ કાર્યક્રમાં ભાગ લેવા માટે ગુગલ લિંક https://forms.gle/sZXs8DgpCkzKFKwdA પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે મર્યાદિત સંખ્યામાં કાર્યક્રમ કરવાનો હોઈ પ્રથમ ૬૦ દીકરીઓને ભાગ લેવાની તક મળશે જેથી વહેલાસર રજિસ્ટ્રેશન કરાવી લેવા અપીલ કરવામાં આવે છે