ભુજ ખાતે શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વડાપ્રધાનશ્રીના સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત “વિકસિત ભારત સંકલ્પ” સભા યોજાઈ

we g

ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા, સમર્પણ અને વિશ્વાસના સુશાસનના ગૌરવવંતા ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજરોજ આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભુજની લાલન કોલેજ ખાતે “વિકસિત ભારત સંકલ્પ” સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ નાગરિકોને વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

        આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ શ્રી ડૉ. કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત’ અને ‘નવા ભારત’ તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘આયુષ્માન ભારત’ યોજના આજે વિશ્વની સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બની છે. આ યોજના થકી કરોડો પરિવારોને સ્વાસ્થ્ય સુરક્ષા મળી છે, જેથી ગરીબ દર્દીઓને ગંભીર બીમારીઓમાં લાખો રૂપિયાના ખર્ચમાંથી રાહત મળી છે. આ ઉપરાંત વડાપ્રધાનશ્રી દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવામાં આવ્યો છે.

        દેશના આર્થિક વિકાસનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ભારત આજે વિશ્વની અર્થવ્યવસ્થામાં ચોથા ક્રમે પહોંચ્યું છે. આ પ્રસંગે સંવિધાનના શિલ્પી ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આજે વડાપ્રધાનશ્રી સંવિધાનના મૂલ્યોના પગલે ચાલીને દેશની સેવા કરી રહ્યા છે. અંતમાં તેમણે સૌને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સંપૂર્ણ ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું. 

        વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને નાગરિકોને વર્ષ ૨૦૪૭ સુધી  ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પ માટે પ્રતિબદ્ધ કર્યા. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જીવંત પ્રસારણમાં કચ્છના ભૂકંપ અને ત્યારબાદ કચ્છના વિકાસને યાદ કરતા જણાવ્યું હતું કે, કચ્છની પુનઃનિર્માણની શક્તિ મારા જાહેર જીવનની સૌથી મોટી પ્રેરણા રહી છે. તેમણે આ પ્રસંગે નાગરિકોને “વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત” બનાવવા આહ્વાન કર્યું હતું.

            કાર્યક્રમના અંતે ઉપસ્થિત નાગરિકોએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે શપથ લઇને પોતાના યોગદાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સહભાગી થવા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

        આ પ્રસંગે સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રભાબેન હુણ, ધારાસભ્યશ્રી સર્વ માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપતિશ્રી શીતલભાઈ શાહ, ગાંધીધામના મેયરશ્રી દિવ્યાબેન નાથાણી, આગેવાનશ્રીઓ દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.બી.ડવેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સૂંડા સહિત જિલ્લાની નગરપાલિકાઓના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતોના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેનશ્રી સહિત જિલ્લાના પદાધિકારીઓશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓશ્રી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ  તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.