ગાંધીધામના વેપારી સાથે 4.66 કરોડની ઠગાઈ

અહીંના  વાહન લે-વેચ અને વીમાના કામ સાથે  જોડાયેલા વેપારી સાથે વાહન  લોન, હાથ ઉછીના સહિતના અલગ-અલગ બહાના તળે  ઠગબાજ શખ્સે કુલ રૂા. 4,66,17,982ની  છેતરપિંડી અને વિશ્વાસધાત કર્યો હોવાનો મામલો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ દફતરે ફરિયાદ સ્વરૂપે નોંધાયો હતો.સૂત્રો પરથી મળતી ગાંધીધામ પોતાની સાથે વેપારમાં જોડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ગત તા.1/1/2016થી તા. 9/10/2026 સુધીના અરસામાં બનેલા બનાવ અંગે પોલીસ સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ પોતાના તથા તેમની પત્નીનાં નામ ઉપર  ઓડી તથા બી.એમ.ડબ્લયૂ ગાડીની આરોપીને  લોન કરાવી હતી. આરોપી  આ લોન પેટેની રકમ  ભરતો ન હતો.  ફરિયાદી તથા પત્નીની બેન્ક સમક્ષની શાખાને અસર થતી હોવાના કારણે બંને ગાડીની લોનની  રૂા. 69,18,105 ભરપાઈ કરી આપી હતી. આ બાકી નીકળતી રકમ આરોપીએ આપી ન હતી. આ ઉપરાંત આરોપીને  જુદા-જુદા સમયે નાણાંની જરૂરિયાત ઊભી થતાં  ફરિયાદીએ હાથ ઉછીના રૂા. 1,33,35,478 લીધા  બાદ પાછા  આપ્યા ન હતા. છેતરપિંડી કરનાર  તહોમતદારે વીમાનાં  કામ પેટેના કમિશનના રૂા. 1,01,59,826  ન આપવા સાથે વ્યાપારિ નાણાકીય લેતી-દેતી પેટે રૂા.1,62,04,573  મેળવીને પરત આપ્યા ન હતા.આરોપીએ આપવાની થતી રકમ ઓછી કરવા માટે બેન્ક વ્યહવહારમાં બે લાખનો ખોટો વ્યવહાર પણ દર્શાવ્યો હોવાનું પણ ફરિયાદમાં વર્ણવામાં આવ્યું હતું. ફરિયાદીએ બાકી નીકળતી રકમ માગણી કરવા છતાં આરોપી દ્વારા વાયદાઓ આપ્યા બાદ નાણાં ન ચૂકવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો  નોંધી વધુ તપાસ હાથ ધરી છે.