આડેસર : ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ સાથે શખ્સની અટક

 આડેસર ચેકપોસ્ટ નજીકથી એક ટ્રેઈલરચાલકને પકડી પાડી તેની પાસેથી રૂા. 5,595નો પોષડેડાં પાઉડર પોલીસે જપ્ત કર્યો હતો. આડેસર પોલીસ ચેકપોસ્ટ પર ગઈકાલે તપાસમાં હતી. દરમ્યાન ટ્રેઈલર નંબર આર.જે. 21-જીબી-3537ના ચાલક દુર્ગારામ રેખારામ ભાનારામ જાટની તપાસ કરતાં તેની પાસેથી માદક પદાર્થ મળી આવ્યો હતો. એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઈ કરાવતાં આ પદાર્થ પોષડેડાનો પાઉડર હોવાનું બહાર આવ્યું હતું. ચાલક પાસેથી રૂા. 5,595નો 373 ગ્રામ પાઉડર જપ્ત કરાયો હતો. ચાર-પાંચ દિવસ પહેલાં તે ગુજરાત આવી રહ્યો હતો, ત્યારે રાજસ્થાનના નાગોર નજીક હોટેલ પાસે એક અજાણ્યા શખ્સ પાસેથી તેણે આ પદાર્થ લીધો હતો, જે કાઢી અમુક પદાર્થ પોતે ફૂંકી માર્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.