મોરગરની કંપની-બાનીઆરીનાં ખેતરોમાંથી 71 હજારની ચોરી

 ભચાઉના મોરગરમાં આવેલી કંપનીમાંથી કંપનીના જ ત્રણ કર્મીએ રૂા. 41,000ના વાયરની ચોરી કરતા બનાવ અંગે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ બાનીઆરીમાં બે ખેતરમાંથી રૂા. 20,000ના બે ઝટકા મશીન, બે બેટરીની તસ્કરોએ ચોરી કરી હતી. મોરગરમાં આવેલી નવકાર ઈસ્પાર્ક લિમિટેડ કંપનીમાં ગત તા. 9/10ના રાત્રિના ભાગે આ બનાવ બન્યો હતો. ચોકીદાર રાતે પેટ્રોલિંગમાં નીકળતાં કંપનીના જ રાયમલ મુકેશસિંઘ રાવત, મધુસિંઘ, માલસિંઘ કેરેમસિંઘ ડુડળે સ્ટીલ પ્લાન્ટથી નીકળી નવકાર કોલોની તરફ નાસતા દેખાયા હતા. બાદમાં પ્લાન્ટમાં જઈ તપાસ કરતાં જુદા-જુદા વાયર ગુમ જણાયા હતા. રૂા. 41,500ની ચોરી અંગે ત્રણેય સામે ગુનો દર્જ કરાયો હતો. વધુ એક ચોરીનો બનાવ બાનીઆરી ગામની સીમમાં બન્યો હતો. ફરિયાદી નવીન હીરા આહીર તથા બેચરા હીરા રબારીએ પોતાનાં ખેતરમાં પશુઓથી પાકને બચાવવા ઝટકા મશીન લગાવ્યા હતા. દરમ્યાન નિશાચરોએ આ બંને ખેતરોમાંથી રૂા. 20,000ના બે મશીન, બે બેટરી ચોરીને નાસી ગયા હતા. દુધઈ પોલીસે બંને બનાવમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.