નવરાત્રિ પર્વે કચ્છમાં પાલીસની સઘન સુરક્ષા

image

આદ્યશક્તિની આરાધનાના નવરાત્રિનાં પર્વમાં યુવાનો, બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ગરબી જોવા તેમજ રાસ ગરબા રમવા જતા હોય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને લોકો નિર્ભય બનીને નવરાત્રિ ઉત્સવ ઊજવી શકે તે માટે કચ્છમાં પોલીસ દ્વારા વ્યાપક અને ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.સૂત્રો પરથી મળતી માહિતી પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે પોલીસ કાફલાઓને જવાબદારીઓ સોંપી ખાસ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે, જેમાં પોલીસ સ્ટેશન સ્તરે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બંદોબસ્ત અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લામાં કુલ 28 પોલીસ ઇન્સ્પેક્ટર, 41 પીએસઆઈ અને 750 પોલીસ સ્ટાફ ફરજ પર રહેશે. આ સિવાય 750 હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ગરબીઓ અને સતત પેટ્રાલિંગ માટે 46 ફોર-વ્હીલર અને 54 ટુ-વ્હીલર પોલીસ વાહનો ફાળવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભુજ શહેર તથા આસપાસના વિસ્તારો જેવા કે મુંદરા અને પદ્ધર રોડ પર આવેલી ખાનગી નવરાત્રિ અને અન્ય નાની-મોટી ગરબીઓ પર નજર રાખવા માટે પાંચથી સાત રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રત્યેક રૂટ પર સુરક્ષા માટે એક મોબાઈલ ટીમ કાર્યરત રહેશે. નવરાત્રિ દરમિયાન રાતથી સવાર સુધી જ્યુબિલી સર્કલથી આ તમામ રૂટની ગાડીઓના નાઈટ પેટ્રાલિંગ, તેમના રૂટ પર આવતી અવાવરુ જગ્યાઓ અને શંકાસ્પદ સ્થળોની સઘન ચકાસણી, રસ્તા પર વાહન પાર્કિંગ કે અન્ય કારણોસર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની તકેદારી, રસ્તામાં કોઈ સ્ત્રી-પુરુષ કે નાના બાળકને મુશ્કેલી હોય અથવા એકલ-દોકલ જતી મહિલાઓને મદદની જરૂર પડે તો ત્વરિત સહાય પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત ભુજ, ગાંધીધામ, આદિપુર, અંજાર શહેર વિસ્તારમાં મહિલા પોલીસની ખાસ `સી ટીમ’ પણ સરકારી વાહન અને ટુ-વ્હીલર સાથે વિવિધ વિસ્તારોમાં ફરશે તેમજ મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં પણ તૈનાત રહી ક્યાંય લુખ્ખાગીરી સામે આવશે તો કાર્યવાહી કરશે. આ નવરાત્રિ પર્વ દરમ્યાન કેફી પીણું પીને છાકટા બનતા યુવાનો પર પોલીસ ખાસ નજર રાખશે તેમજ ગરબીના પ્રવેશદ્વાર પર પોલીસ બ્રેથ એનેલાઇઝરથી યુવાનોની તપાસ કરશે.