કોંગ્રેસ સાંસદ અને રાહુલ ગાંધીના વિરોધમાં કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું

image

કોંગ્રેસી સાંસદ બિમોલ અકોઈજમ સામે મહિલાઓના ઉત્પીડનના મામલે કાર્યવાહી કરવાને બદલે રાહુલ ગાંધી દ્વારા તેમને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે પ્રદેશ મહિલા મોરચા સાથે સંકલન અન્વયે કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ પારુલબેન કારાની આગેવાની હેઠળ કચ્છ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ દરમિયાન મહિલા મોરચાના આગેવાન બહેનોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ વ્યક્ત કરતાં વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં “મહિલા વિરોધી સાંસદને સંરક્ષણ આપવાનું બંધ કરે રાહુલ ગાંધી” તથા “એક કચોરી, દો સમોસા, રાહુલ ગાંધી પર નહીં ભરોસા” જેવા સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

મહિલાઓના ઉત્પીડનના મુદ્દે કોંગ્રેસના વલણ સામે સવાલ ઉઠાવી મહિલા મોરચાની આગેવાનોએ મહિલાઓના સન્માન અને ન્યાયના મુદ્દે જવાબદારી નિભાવવાની માગણી કરી હતી.આ ધરણા પ્રદર્શનના માધ્યમથી ભાજપ મહિલા મોરચાએ મહિલાઓના સન્માન અને ગૌરવના મુદ્દે પોતાનો વિરોધ નોંધાવી મહિલાઓના અધિકારો અને સ્વાભિમાન માટે અવાજ ઉઠાવ્યો હતો.

આ ધરણા પ્રદર્શનમાં જિલ્લા ભાજપના મહિલા હોદેદારો, મહિલા મોરચાના બહેનો તેમજ નગરપાલિકાના મહિલા નગરસેવકો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયાં હતા જેમાં આશિકાબેન ભટ્ટ, રેશ્માબેન ઝવેરી, કંચનબેન વાઘેલા, પારસબા જાડેજા, વૈભવીબેન ગોર, બિંદિયાબેન ઠક્કર, હસ્મિતાબેન ગોર, કંકુબેન ચાવડા, સાવીબેન જાટ, મનીષાબેન સોલંકી, રસિકબા કેસરિયા, બીનાબેન ભાનુશાલી, વંદનાબેન પરમાર, બિંદીબેન ભાટી, રચનાબેન શાહ, નીતાબેન ઠક્કર, નીતાબેન પટેલ, માનસીબેન શાહ સહિતના મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ-ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.