વિરોધ પક્ષોનો સુપ્રીમ કોર્ટ સુધી ઐતિહાસિક મોરચો

વિધાનસભા ચૂંટણીઓ પહેલાં દેશનાં ચૂંટણીપંચ તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે `એકજૂટ’ બનીને મોરચો માંડતાં કોંગ્રેસ સહિત `ઈન્ડિયા’ જોડાણના વિપક્ષોએ સોમવારે દેશના ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરી હતી.સૂત્રો પરથી મળતી માહિતી મતદારયાદી સુધારણા માં ગરબડના વિરોધમાં વિપક્ષોએ સુપ્રીમ કોર્ટની અંદર પહોંચી જઈને અરજી કરી હતી. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ સહિત 11 વિપક્ષી નેતા અરજદાર બન્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદો સોમવારે સાંજે અચાનક સુપ્રીમ કોર્ટની અંદર પહોંચી ગયા હતા. પહેલાં `ઈન્ડિયા’ના સાંસદોએ દિલ્હીના બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી રેલી કાઢી હતી. તેમને 500 મીટર પહેલાં જ રોકી દેવાયા હતા. આઝાદ દેશના ઈતિહાસમાં એવી ઘટના પહેલીવાર બની હતી કે, વિપક્ષી નેતાઓએ કોઈ માંગ સાથે દેશની સર્વોચ્ચ અદાલત સુધી કૂચ કરી હોય. છેલ્લા સાત દિવસમાં પાંચમી વખત વિરોધ પ્રદર્શન કરનાર વિપક્ષી ઈન્ડિયા જોડાણના નેતાઓ, સાંસદો, કાર્યકરો તેમજ વિશાળ સમર્થક સમુદાય ઊમટી પડતાં રાજધાનીના રસ્તાઓ પર ચોમેર જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રદર્શનકારીઓએ બેરિકેડ્સ તોડીને ઘૂસવાની કોશિશ કરતાં દિલ્હી પોલીસે હટાવ્યા હતા. વિપક્ષી રેલી દરમ્યાન બે કાર્યકર બેભાન થઈ ગયા હતા. આ વિશાળ રેલી દરમ્યાન કોંગ્રેસ સાંસદ શશી થરૂરે જણાવ્યું હતું કે, લોકતંત્રની રક્ષા કોઈ પણ રાજનીતિથી ઉપર છે. નાગરિકો પાસેથી તેમનો મત આપવાનો મૌલિક અધિકાર છીનવી લેવાયો છે. `સર’માં અનિયમિતતા તેમજ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે વિપક્ષે આજે સુપ્રીમ કોર્ટમાં પહોંચીને અરજી કરી હતી. આ અરજીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસના સૌગત રોય, સપાના અખિલેશ યાદવ, રાજદના તેજસ્વી યાદવ, શિવસેના સાંસદ સંજય રાઉત, સીપીઆઈ ના એમ. એ. બેબી, સીપીઆઈના ડી. રાજા, એનસીપી-એસપીના સુપ્રિયા શુલે, ઝારખંડ મુક્તિ મોરચાના મહુઆ માઝી, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ઈ.ટી. મોહમ્મદ બશીર અરજદાર બન્યા હતા. અગાઉ, આમ આદમી પાર્ટી અને કોકરોચ જનતા પાર્ટીના કાર્યકરોએ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નેતાઓ એકજૂટ છે, તેવું બતાવવા કોંગ્રેસે રેલી વખતનો વીડિયો પણ શેર કર્યો હતો. અખિલેશ યાદવે કહ્યું હતું કે, આંદોલન જારી રહેશે. પ્રદર્શન સ્થળમાં બદલાવ કરીને સરકાર બચી શકવાની નથી.