ભચાઉમાં હત્યાના કેસમાં ફરી ગયેલા બે સાક્ષીને ત્રણ માસની કેદ

ભચાઉની અદાલતે ન્યાયિક પ્રક્રિયામાં કોર્ટ સમક્ષ સોગંદ ઉપર ખોટી જુબાની આપીને ફરી જનાર સાક્ષીઓ સામે લાલઆંખ કરી છે. ઇરાદાપૂર્વક સત્ય છુપાવનારા આ બંને સાક્ષીને ત્રણ માસની સાદી કેદની સજા આપવામાં આવી હતી. આ અંગે મળતી માહિતી મુજબ સામખિયાળીમાં બનેલી હત્યાની સુનાવણી દરમ્યાન ફરિયાદ પક્ષના સાહેદ તૈયબ ગુલમામદ માણેક તથા સલીમ સુભાન કટિયાના નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. બંનેએ આરોપીએ ગુનો કર્યા પછી તેમની પાસે આશરો માગવા આવ્યો હતો તેવી હકીકત જણાવી હતી. જ્યારે અદાલતમાં મુખ્ય કેસની સુનાવણી વખતે આ સાક્ષીઓની જુબાની લેવામાં આવી ત્યારે તેઓ અગાઉના નિવેદનોથી ફરી ગયા હતા અને આરોપી સાથે કોઇ જ વાતચીત કે લેવડદેવડ થઇ નથી તેવું સોગંદ ઉપર ખોટું બોલ્યા હતા. તપાસ દરમ્યાન પ્રાપ્ત થયેલા સી.ડી.આર. અને અગાઉના ન્યાયાધીશ સમક્ષના નિવેદનો તપાસતાં સ્પષ્ટ સાબિત થયું હતું કે બંને સાક્ષીઓએ ઇરાદાપૂર્વક અને જાણી જોઇને ન્યાયાલય સમક્ષ ખોટો પુરાવો આપ્યો છે.આ બાબતને ગંભીરતાથી લઇને કોર્ટએ બંનેને નોટિસ પાઠવી હતી જેમાં પણ સલીમ કટિયા હાજર રહ્યો ન હતો જ્યારે તૈયબ માણેકે અસ્વીકાર્ય ખુલાસાઓ રજૂ કર્યા હતા. કોર્ટે ચુકાદો આપતી વખતે નોંધ્યું હતું કે, તાજેતરના સમયમાં સાક્ષીઓનું ફરી જવું સામાન્ય બની ગયું છે. સાક્ષીઓ કોઇપણ જાતના ડર, ક્ષોભ કે પસ્તાવા વગર અદાલત સમક્ષ સોગંદ ખાધા બાદ પણ ફરી જાય છે. આ ગંભીર પ્રકરણમાં બંને સાક્ષીને કસૂરવાર ઠેરવી બંનેને ત્રણ માસની સાદી કેદ તથા રૂા. 500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા હાજર રહ્યા હતા.