કોટડા-ચાંદ્રાણી રેડિયો બ્લાસ્ટ કેસમાં આરોપીને આજીવન સખત કેદ
ટિફિન બોમ્બ અને કુરિયર બોમ્બથી હત્યા કરવાના બનાવ અવારનવાર બનતા હોય છે, ત્યારે સંભવત વર્ષ 2006માં રેડિયો બોમ્બથી પરિવારને પતાવવાનો કારસો ઘડાયો હતો. અંજાર તાલુકાના કોટડા ચાંદ્રાણીના 20 વર્ષ જૂના ચકચારી રેડિયો બોમ્બ બ્લાસ્ટ કેસમાં અંજાર કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને 70 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આખા પરિવારને ખતમ કરવાના ઈરાદે કરાયેલા આ હુમલામાં છ જણને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. આ કેસની પૂર્વ વિગતો અનુસાર આ જીવલેણ હુમલો વર્ષ 2006માં જાન્યુઆરી મહિનામાં બન્યો હતો. ફરિયાદી સામજીભાઈની દીકરી સવિતાના લગ્ન આરોપી લવજી સંગ્રામ કોલી સાથે થયા હતા, તેના છૂટાછેડા થતાં મનદુ:ખ રાખી લવજીએ રેડિયોમાં વિસ્ફોટક ફીટ કરી સર્કિટ ગોઠવી મારી નાખવા કારસો રચ્યો હતો. આરોપીએ પથ્થર તોડવા કે કૂવા ખોદવા માટે વપરાતા વિસ્ફોટક રેડિયોમાં ભરી દીધા હતા અને ધડાકો કરવા માટે સર્કિટ ગોઠવી દીધી હતી. ફરિયાદીની વાડીમાં મૂકી દીધો હતો. સવારના અરસામાં ફરિયાદીના પુત્ર મનજીને વાડીમાંથી રેડિયો મળ્યો હતો. આ રેડિયો સવિતાએ તેના ઘરે હોવાનું અને ઘણીવાર રેડિયો વગાડયો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી અને તેના પુત્ર જીરૂના પાકમાં દવા છાંટવા ગયા હતા તે દરમ્યાન વાડીમાં ભયાનક ધડાકો થયો હતો, જેમાં ભૂંગાંમાં રામીબેન, 10 વર્ષીય બાળક શિવો, ફરિયાદીની દીકરીઓ સવિતા અને શાંતિ અને પુત્રવધૂ શાંતિબાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. 10 વર્ષીય બાળકે રેડિયો ચાલુ કરતાંની સાથે જ ભયાનક વિસ્ફોટ થયો હતો. ભૂંગાંમાં રેડિયોના ટુકડેટુકડા વેરાઈ ગયા હતા. આરોપી શિવાના પરિવારજનોએ ફરિયાદીની પુત્રીને માર મારતા હતા અને ડામ પણ દીધા હતા, જેથી બનાવના એક વર્ષ પૂર્વે છૂટાછેડા લઈ લીધા હતા. આ બાબતનો દ્વેશ રાખીને આરોપીએ અગાઉ પણ ફરિયાદીના પરિવારજનોને લીમડાના ઝાડમાં ઝેર ભળવીને તેમજ ખાંડ, ચાય, તેલ અને કેરીઓમાં ઝેર ભેળવીને અગાઉ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં વાસ આવતી હોવાથી પરિવાર બચી ગયો હતો. આ બનાવમાં બે જણની એક-એક આંખ જતી રહી હતી.આ મામલે ચાર્જશીટ કરાઈ હતી. આરોપીની ધરપકડ થયા બાદ તે જામીન ઉપર મુક્ત હતો. આ અંગેનો કેસ અંજારની કોર્ટમાં ચાલી જતાં અંજાર કોર્ટના એડિશનલ સેશન્સ જજ જે.એલ. ચોવટિયાએ આરોપી લવજી સંગ્રામ કોલીને તકસીરવાન ઠરાવી એક્સપ્લોઝીવ સબસ્ટન્સ એક્ટ 1908 કલમ-3 હેઠળ આજીવન સખત કેદ રૂા. 50,000નો દંડ અને હત્યાના પ્રયાસના કેસમાં 10 વર્ષની સખત કેદ રૂા. 20,000 દંડની સજા ફટકારી હતી. 70 હજારના દંડની રકમમાંથી 50 ટકા રકમ ભોગ બનનારાઓને વળતર તરીકે આપવાનો હુકમ કરાયો છે, જેમાં અડધી રકમ બંને આંખ ગુમાવનાર શિવાભાઈ સામજીભાઈને અને બાકીની રકમ સવિતાબેન અને સુરેશ, બચુને આપવાની રહેશે. આ કેસમાં વિસ્ફોટક વેચનાર વણવીર હરિભાઈ રાઠોડ (રહે. કીડિયાનગર)ને નિર્દોષ છોડી મુક્યો હતો. આરોપી જામીનમુક્ત હોઈ રજૂ કરેલા બેઈલ બોન્ડ રદ કરાયા હતા અને તેને કસ્ટડીમાં લેવાનો હુકમ કરાયો હતો. આ કેસમાં સરકાર તરફે એ.પી.પી. આશિષ પંડયાએ હાજર રહી દલીલો કરી હતી.