શ્રીહરિ વિદ્યામંદિરના યજમાનપદે એક દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૬–૨૭નું આયોજન

image

રામપર–વેકરા (કચ્છ): G.C.E.R.T., ગાંધીનગરની પ્રેરણાથી મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ), ભુજ (કચ્છ), જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, ભુજ (કચ્છ) તથા શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા શાળા વિકાસ સંકુલ, માંડવીના સંયુક્ત આયોજન હેઠળ અને શ્રીહરિ તપોવન ગુરુકુલ ગંગાજી, રામપર–વેકરા દ્વારા સંચાલિત શ્રીહરિ વિદ્યામંદિરના યજમાનપદે એક દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૬–૨૭નું આયોજન તા. ૧૪ ઑક્ટોબર, ૨૦૨૬, બુધવારના રોજ કરવામાં આવ્યું હતું.

“ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન” વિષયવસ્તુ પર આધારિત આ પ્રદર્શનનો પ્રારંભ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર તથા પૂજ્ય સંતશ્રીઓ—પ્રેરણા સંચાલક શ્રી શાસ્ત્રી સ્વામી દેવચરણદાસજી, પુરાણી સ્વામી દિવ્ય મુનિદાસજી અને સ્વામી સત્ય જીવનદાસજીના સાનિધ્યમાં દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ વિભાગનાં અધિકારીઓ EI શ્રીમતી કંચનબેન કુકશાલ, વર્ગ-૨ અધિકારી શ્રી અંજારિયા સાહેબ, શ્રી ગંભીરસિંહ ઝાલા, માંડવીના AEI શ્રી મેહુલભાઈ પરમાર, મુન્દ્રાના AEI શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજા તથા પૂર્વ SVS કન્વીનર શ્રી જયેન્દ્રભાઈ વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નયનભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રદર્શનમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત વિવિધ કૃતિઓ તથા નમૂનાઓ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ, સંશોધનવૃત્તિ અને નવીન વિચારોનું સુંદર પ્રદર્શન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓની કૃતિઓનું નિરીક્ષણ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા તથા વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ કેળવીને નવીન સંશોધનો તરફ આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન SVS કન્વીનર તથા વર્ગ-૨ અધિકારી શ્રી વિજેશભાઈ પટેલ, SVS સહકન્વીનર તથા વર્ગ-૨ અધિકારી શ્રીમતી રશ્મિકાબેન બારિયા અને લાયઝન અધિકારી, ડાયેટ–ભુજ, શ્રીમતી પ્રેમીલાબેન ઠાકોર દ્વારા તપોવનધામ પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું.

પ્રદર્શનની સફળતાએ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા, સંશોધનવૃત્તિ, સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની નિર્વિઘ્ન સફળતાનો શ્રેય પૂજ્ય સંતશ્રીઓના આશીર્વાદ અને માર્ગદર્શન, શાળાના પ્રધાનાચાર્ય શ્રી મયુરસિંહ સોલંકી, પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રી નીરવભાઈ ઉપાધ્યાય, શાળાના તમામ કર્મચારીઓની સંઘભાવના તથા વિદ્યાર્થીઓની સમર્પણભાવનાને આપવામાં આવ્યો હતો.

અંતમાં પ્રદર્શનના કન્વીનર વર્ગ-૨ અધિકારી શ્રી વિજેશભાઈ પટેલ અને સહકન્વીનર વર્ગ-૨ અધિકારી શ્રીમતી રશ્મિકાબેન બારિયાએ તપોવનધામ સંસ્થાના પરિવારની ઉત્તમ સેવાભાવના અને સહયોગને બિરદાવ્યો હતો. આમ, આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક પ્રતિભાને ઉજાગર કરવા અને ભવિષ્યના સંશોધકોને પ્રેરણા આપવા માટે એક મહત્ત્વપૂર્ણ મંચ બની રહ્યું હતું.