ભુજ શહેરના વોર્ડ નં ૦૮ મધ્યે વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું.

આજરોજ ભુજના લોકલાડીલા ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના વરદ હસ્તે ભુજ શહેરના આઉટગ્રોથ વિસ્તાર માટે સરકારશ્રી પાસેથી રૂ. ૭૯૨ લાખ જે મંજુર થયા છે તેના પૈકીનું વોર્ડ નં ૦૮ ના રૂ. ૧૬૧ લાખના કામોનું. તેમજ જનભાગીદારીના અંદાજીત રૂ. ૨૫,૦૦,૦૦૦/- ના કામોનું ખાતમુહુર્ત આજરોજ શહેરના વાલદાસનગર મધ્યે કરવામાં આવ્યું હતું.
આ અંગે ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભુજ શહેર દિવસો દિવસ કુદકે ભૂસકે સતત વિકાસ પામતો જાય છે, રોજ નવા રહેણાંક વિસ્તારનું નિર્માણ થતું રહે છે જે અનુસંધાને ભુજ શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, ભુજ શહેરમાં આઉટગ્રોથ વિસ્તારો કે જેને સુવિધાઓ પૂરી પાડવી જરુરી હતી તેને અનુસંધાને આજરોજ વોર્ડ નં ૦૮ ના વાલદાસનગર મધ્યે ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે, રાજ્ય સરકાર સમક્ષ ભુજ શહેર માટેની જરૂરિયાતો અસરકારક રીતે રજૂ કરવા, સંબંધિત વિભાગો સાથે સંકલન કરવા અને શહેરના વિકાસ માટે જરૂરી સહયોગ મેળવવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. હું ધારાસભ્ય તરીકે ભુજ શહેરના સર્વાંગી વિકાસ માટે હંમેશાં પ્રતિબદ્ધ છું.
આ અંગે વધુ માહિતી આપતા ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહે જણાવ્યું હતું કે આજરોજ આઉટગ્રોથ ગ્રાન્ટ તેમજ જનભાગીદારીની ગ્રાન્ટ અંતર્ગત વિકાસના કામોનું વોર્ડ નં ૦૮ ના વાલદાસનગર ખાતે ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે, વિકાસ એ અવિરત પ્રક્રિયા છે, ભુજ નગરપાલિકામાં નવી પાંખ આવ્યા બાદ શહેરનો વિકાસ ચોતરફો થઈ રહ્યો છે ત્યારે શહેરની ખુટતી વિકાસ ની કડીઓ પૂરી કરવામાં સમગ્ર ટીમ કટીબદ્ધ છે. આવનારા દિવસોમાં આ ખુટતી કડીઓ પૂરી કરવાની અમે ખાતરી આપીએ છીએ.
આ અંગે વધુ માહિતી આપતા કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આજે આપણા ભુજ શહેરના વોર્ડ નં ૦૮ ના વિકાસનાં વિવિધ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌની વચ્ચે ઉપસ્થિત રહીને મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થાય છે, આજે જે વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે તે ભુજના ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. અમારો સંકલ્પ છે કે વિકાસનાં તમામ કામો ગુણવત્તાયુક્ત રીતે અને સમયમર્યાદામાં પૂર્ણ થાય, જેથી નાગરિકોને તેનો સીધો લાભ મળે. આપ સૌના સહયોગ અને વિશ્વાસથી આપણે ભુજ શહેરને સ્વચ્છ. સુંદર અને સુવિધાસભર શહેર બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.ઉપરોક્ત પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપના ઉપપ્રમુખ પ્રફુલસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી બીન્દીયાબેન ઠક્કર, શાસકપક્ષના નેતા ધર્મેશભાઈ ગોર, દંડક રૂપલબેન ચાવડા, ભુજ શહેર ભાજપના મહામંત્રી જીગરભાઈ શાહ, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, નગરસેવકો મનીષાબેન સોલંકી, વિમ્મીબેન ઠક્કર, ચંદ્રેશભાઈ રબારી, રાજેન્દ્રસિંહ જાડેજા, ગીતાબેન પટેલ તથા વાલદાસનગરના સ્થાનિક અગ્રણી / રહેવાસીઓ હાજર રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભુજ નગરપાલિકાના સેનિટેશન શાખાના ચેરમેન તેમજ વોર્ડ નં ૦૮ ના સ્થાનિક નગરસેવક શ્રી મનુભા જાડેજાએ કર્યું હતું તેમજ આભારવિધિ શ્રી પ્રફુલસિંહ જાડેજાએ કરી હતી.