ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રત્નાકરભાઈ ધોળકિયાનું 87 વર્ષની વયે અવસાન

દાણચોરીના દાયકામાં દાણચોરો સામે કાયદાકીય જંગ લડનાર કચ્છના પ્રખ્યાત વકીલની ચિરવિદાય કચ્છમાં સોના-ચાંદી અને હથિયારોની દાણચોરીના મુશ્કેલ સમયમાં દાણચોરો અને રાષ્ટ્રવિરોધી તત્ત્વો સામે કાયદાકીય લડત આપનાર ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી રત્નાકરભાઈ જાદવરાય ધોળકિયાનું ગુરુવારે અમદાવાદ ખાતે અવસાન થયું. મૂળ ભુજના રહેવાસી અને નાગર જ્ઞાતિના અગ્રણી એડવોકેટ આર.જે. ધોળકિયાએ પોતાનું સમગ્ર જીવન વકીલાતના વ્યવસાયને સમર્પિત કર્યું હતું. 1980-90ના દાયકામાં કચ્છનો દરિયાકાંઠો દાણચોરી માટે કુખ્યાત હતો. તે સમયે પોલીસ, કસ્ટમ્સ અને ડીઆરઆઈ જેવી એજન્સીઓ માટે ખાસ સરકારી વકીલ તરીકે તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. અનેક હાઈપ્રોફાઈલ કેસોમાં દાણચોરોને સજા અપાવવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની કાયદાકીય કામગીરી કચ્છ પૂરતી સીમિત ન રહેતાં ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે પણ જાણીતી બની હતી. ઉંમરના કારણે વકીલાતમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. તેમના અવસાનથી ભુજના વકીલ આલમ, નાગર જ્ઞાતિ, મિત્રો, સ્નેહીજનો અને પ્રશંસકોમાં શોકની લાગણી ફેલાઈ છે. લોકો તેમની રાષ્ટ્રભક્તિ અને કાયદા પ્રત્યેની નિષ્ઠાને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે