12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ સુધીની કૂચને લઈને વિપક્ષી નેતાનો માગ્યો ખુલાસો

મતદાર યાદીની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે `સર’માં કથિત ગરબડો અને મનસ્વી રીતે મતદારોના નામ રદ કરવાના આક્ષેપ સાથે વિપક્ષ ચૂંટણી પંચ અને સરકારનો સતત વિરોધ કરી રહ્યો છે. માહિતી મુજબ આ દરમિયાન 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ તરફ યોજાયેલી માર્ચ અને દેખાવોનો મુદ્દો ભારે ગરમાયો છે. સર્વોચ્ચ અદાલતે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના દેખાવો મુદ્દે ખુલાસો માગ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી છે, તો બીજી તરફ ન્યાયતંત્ર પર દબાણ લાવવાના વિવાદાસ્પદ દેખાવો અને માર્ચ મુદ્દે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ તેમજ અન્ય પ્રદર્શનકારીઓને પણ નોટિસ ફટકારીને સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ સુનાવણી વખતે ચીફ જાસ્ટિસ સૂર્યકાંતે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, `અમે કાચના ટાવરમાં નથી બેઠા. આ ન્યાયતંત્રને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ છે. કોર્ટ બહાર અપાઈ રહેલા નિવેદનોથી અમે વાકેફ છીએ.’ આ મુદ્દે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે અને પૂછ્યું છે કે, આ વિરોધ પ્રદર્શનો વખતે ભીડ સુપ્રીમ કોર્ટના પરિસરમાં કેવી રીતે પ્રવેશી. રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ઇન્ડિયા ગઠબંધન દ્વારા `ચલો દિલ્હી, લોકશાહી માર્ચ’નું આયોજન કરાયું હતું, જેમાં હજારો લોકો દિલ્હીમાં ભેગા થયા હતા. આ માર્ચ કાઢવાનો વિપક્ષનો હેતુ કેટલીક માંગ પૂરી કરવાનો હતો. જેમ કે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર રાજીનામું આપે તેમજ `સર’ પ્રક્રિયા પર તાત્કાલિક રોક લાગે. આ માર્ચ કનોટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધી ત્યારે પોલીસે બારાખંભા રોડ નજીક તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને ભગવાન દાસ રોડ પર કેટલાક સમર્થકો પોલીસના વાહનો અને બસ પર ચડી ગયા હતા.