માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા કંડલા-મુન્દ્રા સિક્સ લેન કોરિડોરની જાહેરાત કરવામાં આવી.

દીનદયાળ પોર્ટ અને મુન્દ્રા પોર્ટને જોડતા 57.80 કિલોમીટર લાંબા હાલના માર્ગને સિક્સ લેન બનાવવામાં આવશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ રૂ.991.19 કરોડનો ખર્ચ કરવામાં આવશે. હાલમાં આ કોરિડોર પર દરરોજ આશરે 55 હજાર વાહનોની અવરજવર રહે છે, જેમાં બંદરો પર આવતા-જતા ભારે કોમર્શિયલ વાહનોનો મોટો હિસ્સો છે. માર્ગ સિક્સ લેન બનવાથી ટ્રાફિકનું ભારણ ઘટશે અને માલપરિવહન વધુ ઝડપી બનશે. પ્રોજેક્ટમાં નવા ફ્લાયઓવર, અંડરપાસ અને માર્ગસુરક્ષા માટેની અન્ય સુવિધાઓનું નિર્માણ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી કચ્છના બંને મહાબંદરો વચ્ચેનું જોડાણ વધુએ સુગમ બનશે અને વેપાર તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળશે. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આ મંજૂરી બદલ વડાપ્રધાન, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે આ માર્ગ કચ્છના આર્થિક વિકાસનો મહત્ત્વપૂર્ણ કોરિડોર છે, જે કંડલા અને મુન્દ્રા બંદરોને જોડે છે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં મુસાફરીના સમયમાં અંદાજે 20 ટકાનો ઘટાડો થવાની સાથે લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ ઘટાડો થશે.