ધર્મ બદલ્યો તો હવે અનામતનો લાભ નહીં મળે, SCએ આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

image

દેશની સર્વોચ્ચ અદાલતે ગુરુવારે એક મોટો ફેંસલો આપતાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ધર્મ બદલવાના આધાર પર અનામતનો લાભ મળી શકશે નહીં.મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતાં સુપ્રીમ કોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. તાલિમનાડુ સરકારે હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ અપનાવનાર કેટલાક લોકોને પછાત વર્ગ મુસ્લિમની શ્રેણીમાં સામેલ કરીને અનામતનો લાભ આપવાની જોગવાઇ કરતો આદેશ આપ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે તામિલનાડુ સરકારના આ આદેશને રદ કરી નાખ્યો હતો. મામલો એ સવાલ સાથે જોડાયેલો હતો કે શું ધર્મ પરિવર્તન કર્યા પછી કોઇ વ્યક્તિ પોતાના જૂના સામાજિક વર્ગના આધાર પર અથવા અન્ય શ્રેણીમાં અનામતનો લાભ મેળવી શકે ? સુપ્રીમ કોર્ટે આ ફેંસલામાં ફરી જણાવ્યું હતું કે, એક વ્યક્તિ જે હિન્દુ ધર્મ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાય કોઇ અન્ય ધર્મ અપનાવવાનો દાવો કરે છે, તો તેને અનુસૂચિત જાતિનો સભ્ય  માની શકાય નહીં. ભારતીય બંધારણમાં અનુસૂચિત જાતિઓને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રૂપે આગળ વધારવાની ખાસ જોગવાઇઓ કરાઇ છે. જો કે, અનુસૂચિત જાતિનો દરજ્જો અને તેની સાથે જોડાયેલા લાભો મેળવવાની કેટલીક શરતો પણ નક્કી છે. હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મના લોકો આ ત્રણ ધર્મમાંથી જ કોઇ ધર્મ બદલે તો અનામતનો લાભ મળી શકે છે. તેનાથી વિપરીત ઇસાઇ અને ઇસ્મલામ જેવા અન્ય ધર્મ અપનાવતી વ્યક્તિને માત્ર એ આધાર પર અનુસૂચિત જાતિનો દરજ્જો ન મળી શકે કે તેમનો જન્મ કોઇ અનુસૂચિત જાતિમાં થયો હતો. એ જ કારણ છે કે ધર્મ બદલાવીને કોઇ ઇસાઇ કે ઇસ્લામ ધર્મ અપનાવે છે તો તેવી વ્યક્તિને જાતિગત અનામતનો લાભ મળી શકશે નહીં.