જંતરમંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવવા મુદ્દે સરકારનો જવાબ માગ્યો.

દેશમાં મતદારયાદી સુધારણાની કવાયતમાં ગરબડની રાવ સાથે ચૂંટણીપંચના વડા જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ કરતાં કોકરોચ જનતા પાર્ટીએ છેડેલા આંદોલનનો અવાજ દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયો છે. માહિતી અનુસાર પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી સહિત મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે આકરું વલણ અપનાવ્યું હતું અને કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. સુપ્રીમે સીજેપી પ્રદર્શન દરમ્યાન મેટ્રો અને ઈન્ટરનેટ બંધ કરવા તેમજ જંતરમંતરને પ્રદર્શન સ્થળોની યાદીમાંથી હટાવવાના ફેંસલા પર કેન્દ્ર સરકારને નોટિસ આપી, જવાબ માગ્યો હતો. સાથોસાથ, સર્વેચ્ચ અદાલતે 10 ઓક્ટોબરના સીજેપી પ્રદર્શનના તમામ સીસીટીવી ફૂટેજ સંભાળીને સુરક્ષિત રાખવાનો આદેશ આપ્યો હતો. પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી બદલ પણ કેન્દ્ર સરકારને નોટિસ આપતાં અદાલતે જણાવ્યું હતું કે, સરકારે આ કાર્યવાહી અંગે જવાબ આપવો પડશે. મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે પ્રદર્શનકારીઓ, પત્રકારો અને કેન્દ્ર સરકારના પગલાંઓ સાથે જોડાયેલા નવ અલગ-અલગ મામલાઓ પર સુનાવણી કરી હતી. પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી સાથે જોડાયેલા તમામ મામલામાં નોટિસ આપતાં સુપ્રીમે પોલીસ અને એજન્સીઓને આદેશ આપ્યો હતો કે પ્રદર્શનના  તમામ સીસીટીવી, ડિજિટલ ફૂટેજ સુરક્ષિત રાખે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, મહિલા પત્રકારો સાથે પોલીસ દ્વારા મારપીટના આરોપોની તપાસ માટે કોર્ટ એક સમિતિ રચશે. અદાલતે એક મહિલા પત્રકારની ધરપકડ પર રોક મૂકવાનો પણ સીધો નિર્દેશ આપ્યો હતો. અદાલતે પ્રદર્શનો પર થયેલી કાર્યવાહી તેમજ મતદારયાદીમાંથી નામ કાપવાના મામલામાં કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો. સુપ્રીમે કેન્દ્ર સરકારને આ તમામ મામલામાં કાઉન્ટર એફિડેવિટ એટલે કે, જવાબી સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પત્રકારોના ફોન જપ્ત કરવાના આરોપ બાદ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી.