અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ના નવા કેન્દ્રનો શુભારંભ

WhatsApp Image 2026-10-16 at 1.01.18 PM

ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે આજે તા. ૧૬ ઓક્ટોબરના રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ૧૦૧ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવી છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર ખાતે દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે આ યોજના ખરા અર્થમાં આશીર્વાદરૂપ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઇ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત માત્ર રૂ. ૫માં શ્રમિક તથા તેના પરિવારને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવે છે, જેમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણુ, મરચાં અને ગોળનો સમાવેશ થાય છે. વધુમાં, શ્રમિકોના સ્વાસ્થ્યવર્ધન માટે સપ્તાહમાં એક વાર સુખડી જેવા મિષ્ટાન્નનો પણ લાભ અપાય છે. આ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિર્માણ કાર્ડ લઈને કેન્દ્ર પર જવાનું હોય છે. ત્યાં કાર્ડમાં દર્શાવેલ ઈ-નિર્માણ નંબર અથવા ક્યૂ.આર. (QR) કોડ સ્કેન કરાવીને ભોજન વિતરણ કેન્દ્ર પરથી શ્રમિકને રૂ. ૫માં ટોકન આપવામાં આવે છે. ત્યારબાદ શ્રમિકને પોતાના ટિફિનમાં અથવા ત્યાં જ બેસીને જમવા માટે ગરમાગરમ ભોજન પીરસવામાં આવે છે.

અંજાર ખાતે નવા કેન્દ્રના પ્રારંભ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ખાંડેકા સહિત અગ્રણીઓ, જિલ્લા અને તાલુકા પદાધિકારીશ્રીઓ, શ્રમયોગી કલ્યાણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.‌

કચ્છ જિલ્લામાં કુલ ૦૫ નવા કેન્દ્રનો થયો પ્રારંભ

અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામમાં સુંદરપુરી પાણીની ટાંકી પાસેના કડીયાનાકા ખાતે તો ભુજ શહેરમાં ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સ્થાનિક મહાનુભાવોએ આદિપુર અને રાપર ખાતેના કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.