ભુજમાં મસ્જિદ તોડવાના મુદ્દે કલેક્ટર સોગંદનામું કરે : હાઇકોર્ટ
ભુજમાં મહોમદી મસ્જિદનું બાંધકામ તોડી પાડવાના મુદ્દે મહોમદી મસ્જિદ જમાત દ્વારા રાજ્યની વડી અદાલતના દરવાજા ખટખટાવામાં આવતાં માત્ર બે દિવસની ટૂંકી મુદતમાં જ બાંધકામ શા માટે તોડી પાડવામાં આવ્યું છે એવું જણાવીને હાઇકોર્ટે કચ્છના કલેકટરને જવાબ આપવા અને સોગંદનામુ કરવા હુકમ કર્યો છે. માહિતી મુજબ માત્ર બે દિવસની મુદત બાદ મસ્જિદ તોડી પાડવામાં આવી હોવાની મહોમદી મસ્જિદ જમાતે હાઇકોર્ટમાં રજૂઆત કરતી અપીલ કરી હતી. 18 જૂનના ભુજ મામલતદારે બાંધકામ હટાવવા નોટિસ આપી ને 19 જૂનના બાંધકામ સરકારી જમીન પર હોવાથી દબાણ તોડી પાડવા આદેશ અપાયો હતો અને 20 જૂનના અમે જવાબ આપ્યો પણ હતો તેવી દલીલ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આખરે 21 જૂને મસ્જિદ તોડી પાડવામાં આવી હતી જેના પગલે અરજદારે કાયદાનું ઉલ્લંધન થયું હોવાનું કોર્ટ સમક્ષ કહ્યું હતું. બીજી બાજુ મુસ્લિમ યુવા કોર કમિટીના સ્થાપક મોહસીન હિંગોરજાએ પણ આ મુદ્દે ન્યાયની માંગ કરી હતી. ન્યાયમૂર્તિ નિરલ મહેતાએ કચ્છના કલેકટરને 19 નવેમ્બર સુધી સોગંદનામું રજૂ કરવા હુકમ કરતાં હવે આ કેસની આગળની સુનાવણી 22 ઓકટોબરે હોવાથી કોર્ટના હુકમ પર મીટ મંડાઇ છે.